=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સોમસંગ્રહ -૫૧

સોમસંગ્રહ -૫૧



હૃદય છે અહર્નિશ બળે પણ ખરું

બળીને વળી ઝળહળે પણ ખરું.

 

જળે પણ ખરું ને સ્થળે પણ ખરું,

પગેરું સ્મરણનું મળે પણ ખરું.

 

ન બદલી શકે ઝાંઝવું નિજ સ્વભાવ,

સરોવર બનીને છળે પણ ખરું

 

છે હિમયુગ છતાં મીણ તો મીણ છે,

અડે આંચ કે પીગળે પણ ખરું.

 

છે સૂમસામ આખો રસ્તો પડ્યો,

કે પડછાય સમ કૈં મળે પણ ખરું.

 

આ માણસ છે, એનો ભરોસો નહીં,

રગે લોહી છે-ઊકળે પણ ખરું.

 

તું થાક્યા વિના બૂમ પાડ્યાજ કર,

કોઈ ને કોઈ સાંભળે પણ ખરું.


                                                             --ભગવતીકુમાર શર્મા