=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: જાન્યુઆરી 2014

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૨.





ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,
વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયું
તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર…………..ગોરી તારાં નેપુર


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ !...................ગોરી તારાં નેપુર



કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?........................ગોરી તારાં નેપુર


મારે આંગણે આંબો મહોરિયો રે,
ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !
હું રે વેજું ને તું રે ચાખ……………………...ગોરી તારાં નેપુર


મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,
બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થયું છે કોમળ ગેહેલ…………………..ગોરી તારાં નેપુર 




ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયુંતે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર


(અહીં એક ગોપી બીજી ગોપી ને ઉદ્દેશી ને કહે છે કે-આખી રાત તુ રાસમાં રમી ને તારા ઝાંઝર નો રણકાર (નાદ) થી નગર જાગ્યું)


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,અમને નહિ અમારાની આશ !


(ગોપીએ પોતાની શરીર રૂપી સેજલડી ને ઢંઢોળી,પણ તેને પોતાની અંદર ના આત્મા (કૃષ્ણ ) દર્શન ના થયા
અને તેને એમ લાગે છે કે-મારો એ કૃષ્ણ (આત્મા) તો પડોશણ એટલે બીજી ગોપીમાં છે.
એટલે કે પોતાના માં નહિ પણ બીજા માં તેને કૃષ્ણ નો ભાસ થાય છે.
એ કૃષ્ણ પરમાત્મા રૂપે એક છે અને આત્મા રૂપે અનેક માં દરેક માં છે,અને આત્મા બની ને શરીર ને ભોગવે છે,
ગોપી ને બીજી ગોપીમાં જ દર્શન થવાથી ઈર્ષ્યા ભાવ થયો,
પણ પછી વિચાર્યું કે પોતાના માં રહેલા કૃષ્ણ (આત્મા) ની આશ પોતે કેમ ના રાખી? તેનું તેને આશ્ચર્ય થાય છે.


 
કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?


હવે જયારે તેને પોતાના માં જ શ્રીકૃષ્ણ ના (આત્માના) દર્શન થયા,ત્યારે ફરી પછી ભાવ વિભોર થઇ જઈ ને
કહે છે કે -આ કૃષ્ણ તો ક્યાં મન નો માન્યો છે? એ તો જન્મ થી સાથે જ છે,તેની સાથે મીરાંબાઈ ને જેમ લગ્ન થયું છે,
એ તો ક્યાં કુવો છે કે તેને ઢાંકો? એણે કાઢી શકાય તેમ નથી.પણ કોઈ વખત તે ભૂલી ગઈ કે તે
પોતાના માં  ના હોતાં બીજાના માં છે.


મારે આંગણે આંબો મહોરિયો રે,ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !હું રે વેજું ને તું રે ચાખ


પણ હવે જયારે તેને ચોક્કસ ખબર પડી ગઈ કે પોતાના અંદર( આંગણે) રહેલો આત્મા-રૂપી કૃષ્ણ નો આંબો
મહોરી ઉઠયો છે અને તેનું  ફળ પાકું થયું છે,એટલે તે પોતાના આત્મા ને જ ઉઠાડી ને કહે છે કે-
તમારું ફળ તમે જ ખાઓ.હું તે તમારી આગળ વેરું છું અને તમે ખાવ.



મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,હૈયું થયું છે કોમળ ગેહેલ


નરસિંહ કહે છે કે-મારા હૈયામાં પરમાત્મા રૂપી ફળ ની પ્રાપ્તિ થઇ જઈ અને
તે એકદમ કોમળ બની ગયું છે અને તેને હવે ક્યાંય બીજે પરમાત્માની શોધ કરવાની જરૂર નથી.










Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૧.






કેસરભીનાં કાનજી,
કસુંબે ભીની નાર;
લોચન ભીનાં ભાવશું,
ઊભાં કુંજને દ્વાર ... ………..કેસરભીનાં કાનજી


બેમાં સુંદર કોને કહીએ,
વનિતા કે વ્રજનાથ;
નિરખું પરખું પુરુષોત્તમને,
માણેકડાં બેહુ હાથ ... ……..કેસરભીનાં કાનજી


વેગે કુંજ પધારિયા,
લચકે થઈ ઝકઝોળ;
નરસૈંયાનો સ્વામી ભલે મળ્યો,
રંગ તણાં બહુ રોળ ……... કેસરભીનાં કાનજી







Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૦.






કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે... ………….કાનજી તારી મા....


માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે.
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…………... .કાનજી તારી મા....


ઝુલણી પહેરતાં નહોતું આવડતું અમે તે દી' પહેરાવતાં રે.
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ' છોડાવતાં રે…………. કાનજી તારી મા....


કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે.
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…………... કાનજી તારી મા....


ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે.
ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…...કાનજી તારી મા....









Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૯.






એવા રે અમો એવા રે એવા,
તમે કહો છો વળી તેવા રે.
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો,
તો કરશું દામોદરની સેવા રે.


જેનું મન જે સાથે બંધાણું,
પહેલું હતું ઘર રાતું રે.
હવે થયું છે હરિરસ માતું,
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.


સઘળા સાથમાં હું એક ભૂંડો,
ભૂંડાથી વળી ભૂંડો રે.
તમારે મન માને તે કહેજો,
નેહ લાગ્યો છે ઊંડો રે.


કર્મ-ધર્મની વાત છે જેટલી,
તે મુજને નવ ભાવે રે.
સઘળા પદારથ જે થકી પામે,
મારા પ્રભુની તોલે ન આવે રે.


હળવા કરમનો હું નરસૈંયો,
મુજને તો વૈષ્ણવ વહાલા રે.
હરિજનથી જે અંતર ગણશે,
તેના ફોગટ ફેરા ઠાલા રે.







Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૮.







જાગો રે, જશોદાના કુંવર ! વહાણલાં વાયા,
તમારે ઓશીકે મારાં ચીર ચંપાયા.


પાસું મરડો તો વહાલા ! ચીર લેઉં તાણી,
સરખી-સમાણી સૈયરો સાથે જાવું છે પાણી.


પંખીડાં બોલે રે, વહાલા ! રજની રહી થોડી,
સેજલડીથી ઊઠો, વહાલા ! આળસડી મોડી.


સાદ પાડું તો વ્હાલા ! લોકડિયાં જાગે,
અંગૂઠો મરડું તો પગનાં ઘૂઘરા વાગે.


જેને જેવો ભાવ હોય તેને તેવું થાયે,
નરસૈંયાનો સ્વામી વિના રખે વહાણલું વાયે.










Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૭







 



 આવ્યો માસ વસંત વધામણાં, છબીલાજીને કરીએ છાંટણા;
વન કેસર ફૂલ્યો અતિ ઘણો, તહાં કોકિલા શબ્દ સોહામણાં;
રૂડી અરતના લઇએ ભામણા, આવ્યો માસ વસંત વધામણાં …. ૧


તું તો વહેલી થા ને આજ રે, તારાં સરસે સારાં કાજ રે;
તું તો મુક હૈયાની દાઝ રે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૨


તું તો નવરંગ ચોળી પહેર રે, પછી આજ થાશે તારે  લહેર રે;
રૂડા હરજી આવ્યા તારે ઘેર રે, આવ્યો માસ વસંત વધામણાં …. ૩


તું તો સજ શણગાર સાહેલડી, લેને અબિલ ગુલાલ ખોબા  ભરી;
પછી ઓ આવે હસતાં હરિ, આવ્યો માસ વસંત વધામણાં …….. ૪


રૂડી અરતના અંગો અંગ છે, તહાં રમવાનો રૂડો રંગ છે;
તહાં છબીલાજીનો સંગ છે, આવ્યો માસ વસંત વધામણાં ……… ૫


તહાં આનંદ સરખો થાય છે, તહાં મોહન મોરલી વાયે છે;
તહાં નરસૈંયો ગુણ ગાય છે, આવ્યો માસ વસંત વધામણાં …….. ૬













Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૩૬






આશા ભર્યા તે અમે આવિયાં,
ને મારે વાલે રમાડ્યા રાસ રે,...............આવેલ આશા ભર્યા.
.
શરદપૂનમની રાતડી ને,
કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે………….. આવેલ…


વૃંદા તે વનના ચોકમાં,
કાંઈ નામે નટવરલાલ રે…................. આવેલ…


જોતાં તે વળતાં થંભિયાં,
ઓલ્યા નદિયું કેરા નીર રે…………….. આવેલ…


અષ્ટકુળ પર્વત ડોલિયા ને,
ઓલ્યા ડોલ્યા નવકુળ નાગ રે………... આવેલ…


મે’તા નરસૈયાના સ્વામી શામળિયા
સદા રાખો ચરણની પાસ રે…. ………..આવેલ…