=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: જૂન 2014

રામાયણ-રહસ્ય-20

કથા શ્રવણથી જેમ પરીક્ષિત ના મૃત્યુ નો ભય ટળી ગયો હતો,તેમ રામ-કથા સાંભળવાથી પણ મૃત્યુ નો ભય ટળે છે.
ભગવાને ગીતાજીમાં દૈવી ગુણો ની વ્યાખ્યા આપી છે,તેમાં સહુથી પહેલું સ્થાન અભય ને આપ્યું છે.જેને અભય સિદ્ધ કર્યો તે બચી ગયો,તે અમર થઇ ગયો.

વેદાંતાધિકાર સર્વ ને નથી.સાધન ચતુષ્ટ્ય ,નિત્યા-નિત્ય વિવેક,ષડસંપત્તિ.વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી.પણ કથા નો અધિકાર સર્વે ને છે.જે ભગવદ કથા નો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદ માં બેસાડે છે.અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે.ધ્રુવજી ની પેઠે મૃત્યુના માથા પર પગ મૂકી ને તે નિરભય થઈને પ્રભુ ના ધામ માં જઈ શકે છે.

જેમ ભાગવત એ નારાયણ નું સ્વરૂપ છે તેમ રામાયણ પણ નારાયણ નું સ્વરૂપ છે.
જીવ,જગત અને ઈશ્વર નું જ્ઞાન રામાયણ માંથી મળે છે.પણ એકલું જાણેલું (જ્ઞાન) કામનું નથી,
જીવનમાં કેટલું ઉતાર્યું છે તે કામનું છે.અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે.
શ્રીરામ ના દિવ્ય સદગુણો જીવન માં ઉતારવાના છે.પૂર્વ જન્મ નો બહુ વિચાર કરવા ની જરૂર નથી.

જનક રાજાએ એક વખત યાજ્ઞવલ્કય ઋષિ પાસે પોતાના પૂર્વ જન્મો જોવા ની માગણી કરી.
ત્યારે યાજ્ઞવલ્કયે કહ્યું-રાજા તે જોવામાં બહુ સાર નથી.પણ જનકરાજા એ હઠ છોડી નહિ.ત્યારે ઋષિએ
તેમને તેમના પૂર્વજન્મો બતાવ્યા.જનકે જોયું કે પોતાની પત્ની એક જન્મ માં પોતાની માતા હતી.
એ જોઈ જનક રાજા ને બહુ દુઃખ થયું. તેથી પૂર્વજન્મ ના વિચારો બહુ કરવા જોઈએ નહિ.
આ જન્મ જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.ને આ જન્મ માંથી જ આવતા જન્મ ને ઘડવા નો પ્રયત્ન કરવો જોઈએ.આવતો જન્મ લેવો જ ના પડે તેવી સ્થિતિ સર્વ થી સારી છે,પણ તે અતિ દુર્લભ પણ છે.
કોઈ મહા ભાગ્યશાળી ના ભાગ્ય માં તે હોય છે.
પણ એ સ્થિતિએ પહોંચવા માટે પુરુષાર્થ કરી શકાય છે અને તે આપણા હાથ ની વાત છે.

કથા એ કીર્તન ભક્તિ નું સ્વરૂપ છે.અને કીર્તન ભક્તિ થી જેમ પરમાત્મા નાં દર્શન થાય છે,તેમ
કથા શ્રવણથી પણ પરમાત્મા નાં દર્શન થઇ શકે છે. કથા કીર્તન દ્વારા મૃત્યુ સુધરે છે.
એટલા માટે તુલસીદાસે રામકથા નો હેતુ ભવસાગર તરવાનો છે એમ કહ્યું છે.
મૃત્યુ કોને નથી?મૃત્યુ નો ડર કોને નથી? સહુ ને મૃત્યુ નો ડર છે એટલે રામકથા રૂપી ઔષધિ ની સર્વ ને જરૂર છે.પરમાત્મા એ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ પોતાનું નામ છુપાવ્યું નથી.નામ પ્રગટ છે.

કથા સાંભળવા ઘણા જાય છે.પણ સહુ પોતપોતાની રીતે કથા સાંભળે છે.
કથા ભલે ને ઉંચા સ્તર પર ચાલતી હોય પણ કોઈ મન થી બેસીને ,કોઈ બુદ્ધિથી બેસીને કોઈ ચિત્તથી બેસી ને તો કોઈ અહંકાર થી કથામાં બેસીને કથા સાંભળે છે.
અહંકાર માં બેઠેલો ખરેખર કશું સાંભળતો જ નથી.પોતે અહમ માં એવો ડૂબેલો હોય છે કે શબ્દો કાન
પરથી જ ચાલ્યા જાય છે.આમ આવા લોભ,મોહ,મદ –વાળો મનુષ્ય, મનમાં જ આવા ભાવ સાથે કથા
સાંભળે છે.પણ કશું સાંભળતો નથી. જ્ઞાની મનુષ્ય બુદ્ધિમાં બેસી ને અને ભક્ત ચિત્તમાં બેસી ને કથા સાંભળે છે. કથા ના સાચા શ્રોતા થવા  સહુ પ્રથમ અહંકાર છોડવો જોઈએ.(તો કથા કાને પડે)

મનુષ્ય જો અહંકાર છોડી ને કથા સાંભળે તો કથા નો પ્રવાહ ગંગાજી ની પેઠે એનાં
મન,બુદ્ધિ અને ચિત્ત ને પાવન કરવા હાજર જ છે.

શિવજી શ્રીરામ નો મહિમા ગાતાં પાર્વતી જી ને કહે છે કે-શ્રીરામ અનંત છે,તેમના ગુણો અનંત છે,તેમના જન્મ,કર્મ અને નામ પણ અનંત છે.જળ ના કણો કે પૃથ્વીના રજકણો કદાચ ગણી શકાય પણ રામચરિત નો મહિમા ગણતાં તેનો પાર નહિ આવે.

શિવજી ને સાથે આપણે પણ શ્રી રઘુનાથજી નો મહિમા ગઈ, સ્તુતિ કરી અને તેમની પાસે થી
અનન્ય ભક્તિ અને સત્સંગ માગી ને તેમની પ્રાર્થના કરીને રામાયણ ની શરૂઆત કરીએ.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE

રામાયણ-રહસ્ય-19

શિવજી કહે છે -
જેના હૃદયનું દર્પણ મેલું છે,જેના પર વાસના ના પડળ જામી ગયા છે,
તે રામના સ્વરૂપ ને જોઈ શકતો નથી.તે અંધ,મૂર્ખ અને અભાગી છે.
જે માયા ને વશ થઇ જન્મ-મરણ ના ફેરા માં ભટક્યા કરે છે,એ
રામ ના સગુણ-નિર્ગુણ સ્વરૂપ ને કેવી રીતે સમજી શકવાનો છે?
પણ જે વિચારશીલ છે,જેના ચિત્તમાં ભ્રમ રૂપી અંધકાર નથી,જેણે મોહ રૂપી મદિરા નું પાન કરેલું નથી,જેના મન-દર્પણ પર વાસના નો મેલ ચડ્યો નથી તે જ સમજી શકશે કે નિર્ગુણ અને સગુણ માં કંઈ ભેદ નથી.ઋષિ-મુનિઓ કહે છે અને વેદ-પુરાણો સાક્ષી પૂરે છે,કે જે નિર્ગુણ નિરાકાર છે,અવ્યક્ત છે,અનાદિ છે,
તે જ ભક્તો ના પ્રેમ ને વશ થઇ સગુણ થાય છે.

જેમ પાણી અને પાણી નો બરફ –એ બે જુદા નથી,તેમ નિર્ગુણ અને સગુણ જુદા નથી.
જેનું નામ-માત્ર મોહ નો નાશ કરી દે છે,તેને પોતાનો મોહ કેવો?  (રામ ને વિરહ કેવો?)
શ્રીરામ તો સચ્ચિદાનંદ સૂર્ય છે તેમાં મોહ રૂપી રાત્રિ નો લવલેશ પણ અંશ નથી.
હર્ષ-શોક વગેરે તો જીવ ના ધર્મો છે,સચ્ચિદાનંદ રૂપ પરમાત્મા ના નહિ.
શ્રીરામ તો પોતે જ માયાના અધિશ્વર છે,અને પોતે જ માયા ના પ્રકાશક છે,

જેમ છીપ માં ચાંદી દેખાય છે,રણમાં ઝાંઝવા નું જળ દેખાય છે,તેવી આ માયા છે.
માયા અસત્ય છે છતાં તે દુઃખ આપે છે.સ્વપ્ન માં કોઈ માથું કાપી નાખે તો દુઃખ થાય છે પણ પછી
સ્વપ્નમાંથી જાગી ગયા કે દુઃખ ઉડી જાય છે,તેમ હરિ નો આશ્રય લેતાં જ માયા નું દુઃખ હટી જાય છે.
જેમની કૃપા થી માયા નો આ ભ્રમ હટી જાય છે,તે શ્રીરામ છે,શ્રીરામ જ સ્વયં બ્રહ્મ અને પરમાત્મા છે.
માયા ના અધિશ્વર એવા તેમને માયા શું કરી શકે? પણ, આ તો બધી તેમની લીલા છે.

શિવજી ના આવાં વચન સાંભળી પાર્વતીજીની  શંકા નિર્મૂળ થઇ.
રામ-રક્ષા સ્તોત્રમાં શિવ-પાર્વતી ના સંવાદ રૂપે શ્રીરામ નું સ્તવન કરેલું છે.
જેમાં ભક્ત મસ્તક થી લઇ પોતાના પગ સુધી ના સમસ્ત દેહ ની રક્ષા પ્રભુ ની પાસે માગે છે.
રામની રક્ષા જેણે માગી અને જેણે પોતાનું સર્વસ્વ રામના રક્ષણ હેઠળ ધરી દીધું,
એને પછી જીવન માં પરાજય,ભય,ચિંતા કે કોઈ દુઃખ રહેતું નથી.

કથા શ્રવણ એ સત્કર્મ છે,સત્કર્મ વિધિપૂર્વક કરવામાં આવે તો તે દિવ્ય બને છે.
સત્કર્મ ને કાળ (સમય) નો નિયમ લાગુ પડતો નથી.સત્કર્મ ને કાળ ના હવાલે છોડાય નહિ.
તેને મુલતવી રાખવું નહિ,પણ તત્કાળ (તરત) કરવું જોઈએ.

એક વાર ધર્મરાજા પાસે એક યાચક દાન લેવા આવ્યો,તેને તેમણે બીજે દિવસે આવવા નું કહ્યું.
ભીમે આ વાત સાંભળી અને વિજય-દુંદુભિ (ઢોલ) વગાડવા માંડ્યો.બધાએ તેનું કારણ પૂછ્યું તો-
ભીમ કહે છે કે આજે મોટાભાઈએ કાળ પર વિજય મેળવ્યો છે, જ્ઞાનીઓ કહે છે કે –
આ પળે જ મૃત્યુ આવાનું છે તેમ સમજી ને સત્કર્મ કરવું,પરંતુ મોટા ભાઈ ને ખાતરી છે કે તે કાલ
સુધી જીવવાના છે.ધર્મરાજા સમજી ગયા અને યાચક ને પાછો બોલાવી દાન આપ્યું.

કાળ ને કોઈ જીતી શક્યું નથી,વાઘ ઘેટાં ના બચ્ચા ને ગળામાંથી પકડે છે તેમ કાળ સહુ ને આવી ને પકડે છે.આમ કાળ સહુ ને ડરાવે છે પણ ભગવાન ના ભક્ત ને તે ડરાવી શકતો નથી.
જે ભક્ત કાળ થી ડરતો નથી તેનાથી કાળ ડરે છે.

મનુષ્ય કેટલા ય ને માંદા પડતા,વૃદ્ધ થતા ને મરી જતા જુએ છે,તોયે તેને મોહ રહ્યા કરે છે,અને માને છે કે પોતે મરવાનો જ નથી. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે.(યુધિષ્ઠિર-યક્ષ સંવાદ)
(અહ્ન્યાની ભૂતાની ગચ્છન્તિ યમ મંદિરમ,શેષામ સ્થિરત્વમ  મીચ્છ્ન્તી કિં આશ્ચર્યમતિ પરમ)

અજગર દેડકા ને ગળી રહ્યો હોય અને દેડકાના મુખ આગળ માખી આવે તો તે માખી પકડવાનો પ્રયત્ન કરે છે.તેમ માણસ મોતના મોં માં પડ્યો છે તો યે –આમ કરું અને આમ લઉં-તેમ કર્યા કરે છે.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGEરામાયણ-રહસ્ય-18

કળિયુગમાં રામ નું નામ કલ્પવૃક્ષ જેવું છે.તે કલ્પવૃક્ષ ની છાયા માં વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો અને તુચ્છ તુલસીદાસ તુલસી જેવા પવિત્ર બની ગયા..
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગ માં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્ય નો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામ માં થી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.

શિવજી કહે છે કે-જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી તે સાંભળવા હાજર રહે છે,રામરક્ષા સ્તોત્ર માં ભક્ત રામજીનું શરણું સ્વીકારે છે સાથે સાથે હનુમાનજી નું પણ શરણું માગે છે.

હનુમાન જી ને મન ના જેવા વેગવાળા,જીતેન્દ્રિય અને બુદ્ધિમાનો માં વરિષ્ઠ કહ્યા છે.તેમને રામદૂત કહી ને ભક્તો તેનું શરણ લે છે.રામદૂત ને શરણે ગયા એટલે રામ સુધી પહોંચાડવાની જવાબદારી રામદૂત ની.રામનામ લેનાર ની રક્ષા નો ભાર હનુમાનજી ના માથે છે.
મનોજવં મારુતતુલ્ય વેગં,જીતેન્દ્રીયમ બુધ્ધિમતાં વરિષ્ઠમ,
વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,શ્રીરામ દુત્તમ શરણંપ્રપદ્યે.

બ્રહ્માજી એ વાલ્મીકીજી ને વચન આપ્યું છે કે-જ્યાં સુધી પૃથ્વી પર નદીઓ અને પહાડો રહે શે ત્યાં સુધી તમારી રચેલી રામકથા લોકો માં પ્રચાર પામશે.
તુલસીદાસજી રામકથા ને તરી ના શકાય તેવી નદી પર ના મોટા પુલ જોડે સરખાવે છે.
નદી પર પુલ ના હોય તો નદી પાર ના કરી શકાય,
પણ પુલ હોય તો એક નાની કીડી પણ નદી પાર કરી ને સામે કિનારે પહોંચી જાય છે.

રામકથા સર્વે પાપો ને હરનારી છે.કળિયુગ ની કામધેનું છે,સંજીવની છે,અમૃત ની કુપી છે,
ગંગાજી-જમુનાજી છે,ચિત્ત છે ,ચિત્રકૂટ છે,ચિંતામણી છે,મંગળ કરનારી છે,મુક્તિ આપનારી છે,
ભયંકર રોગો નો નાશ કરનારી છે,કામ,ક્રોધ,લોભ,મોહ ને હણનારી છે,વિષયોરુપી ઝેર ઉતારનાર મહામણિ છે,લલાટ માં લખેલા કઠિન લેખો ને ભૂંસનાર ઔષધિ છે,અને અંધકાર ને હણનાર રવિ (સૂર્ય) છે.

શિવજી સતત રામનામ જપે છે.પાર્વતીજી એનાં સાક્ષી છે.
એકવાર પાર્વતી જી એ પૂછ્યું કે-આપ રાત અને દિવસ રામ-રામ જપો છો,એ રામ શું અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર છે કે પછી અજન્મા,નિર્ગુણ અને અગોચર બીજા કોઈ રામ છે ?
અને રામ જો બ્રહ્મ જ હોય તો સીતાજી ના વિરહમાં સામાન્ય માનવી ની જેમ આવા વિહ્વળ કેમ બની ગયા?
કૃપા કરી મારા મન ની આ ગૂંચ આપ ઉકેલો.

રામનું નામ પડતાં જ શિવજી ગદગદ થઇ જાય છે.એમની આંખોમાં થી પ્રેમાશ્રુ ઝરે છે.
થોડી વાર ધ્યાનમગ્ન રહી ને તેમણે રામજી ની સ્તુતિ થી શરૂઆત કરી કહ્યું કે-
જેમ,જાણ્યા વિના દોરીમાં સર્પ નો ભ્રમ થાય છે,જેમ જાણ્યા વિના અસત્ય પણ સત્ય જણાય છે,
જેમ જાગ્યા પછી સ્વપ્ન નો ભ્રમ જતો રહે છે,
તેમ,જેને જાણ્યા પછી સર્વ જગતનો લોપ થઇ જાય છે તેવા શ્રીરામચંદ્રજી  ને હું વંદન કરું છું.
જેમનું નામ જપતા સર્વ સિદ્ધિઓ સુલભ થાય છે તે મંગલ નામ ના ધામરૂપ અને અમંગળ  ને દૂર કરનારા,શ્રી દશરથ ના આંગણા માં ખેલનારા,બાળસ્વરૂપ શ્રીરામચંદ્રજી મારા પર કૃપા કરો.

આમ રામજી ની સ્તુતિ-યશ ગાઈ અને તેમની પ્રાર્થના કરી,તેમની કૃપા ની યાચના કરી
શિવજી પાર્વતીજી ને કહે છે કે-હે પાર્વતી જી,રામકથા એવી દિવ્ય છે કે,એના શ્રવણ થી સ્વપ્ને પણ માણસ ને શોક,મોહ કે સંદેહ ના થાય.ભગવાને કાન દીધા છે,તે રામકથા સાંભળવા,પ્રભુએ આંખ દીધી છે તે
રામજી ના દર્શન કરવા,પ્રભુ એ મસ્તક દીધું છે તે હરિના ચરણ માં નમવા,અને પ્રભુએ હૃદય દીધું છે તે 
રામજી ની ભક્તિ માં સમર્પિત કરવા.અને પ્રભુએ જીભ દીધી છે તે રામનું નામ બોલવા.
પ્રભુએ દીધેલ ઇન્દ્રિયો નો સદુપયોગ ના કરે તે મનુષ્ય નથી પણ પશુ છે.
PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGEરામાયણ-રહસ્ય-17

ભાગવતમાં પ્રહલાદજી એ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામ ની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈ ને ચિત્તોડ નું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજી ની સલાહ માગી,ત્યારે તુલસીદાસજી એ કહ્યું કે-સીતા-રામ ની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાં નો પણ ત્યાગ કરવો.
“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.”
મીરાબાઈએ તે સલાહ નો અમલ કર્યો તો તેમણે રામ-રતન ધન ની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”

એવું નથી કે ભક્તિ માત્ર મંદિર માં જ થઇ શકે.ભક્તિ સર્વત્ર થઇ શકે છે.
ઈશ્વરથી વિભક્ત (જુદો) ના થાય તે ભક્ત.સદા સર્વદા પરમાત્મા ના “નામ” થી જુદો ના થાય તે ભક્ત.
જપ એ પુરુષાર્થ નું પ્રતિક છે.”મારું તન-મન પ્રભુ ને સમર્પી દઉં છું”
એવી અનન્ય ભાવ ની ભક્તિ એ માનવી નો પરમ પુરુષાર્થ છે.
સમર્થ રામદાસજી મહારાજે બાર વર્ષ ગોદાવરીમાં ઉભા રહી ને રામ-નામ નો જપ કર્યો હતો,ને તેમને
મંત્ર-સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.જયારે આપણે તો એકાદ માળા ફેરવી ફળ લેવા અધીરા થઇ જઈએ છીએ.

મનુષ્ય-દેહ એ એક ટ્રસ્ટ જેવો છે.અને એ ટ્રસ્ટ નો હેતુ પરમાત્મા નો સાક્ષાત્કાર કરવાનો છે.
દેહને ખવડાવો,પીવડાવો, રમાડો,જાત્રા કરાવો,ઉપદેશ કે પુસ્તકો વાંચો-કે એવું બધું ગમે તે કરો,
પણ વિચારવા નું છે કે ટ્રસ્ટ નો હેતુ પાર પડ્યો છે કે નહિ.
ઈશ્વર જવાબ માગશે-કે આ શરીર ધારણ કરી કેવળ અહંકાર ને આસક્તિ વધાર્યા કે કશું સાધન કર્યું?
સંતો કહે છે કે-આનો જવાબ તમારી પાસે ના હોય તો,રામ-કથા નું શ્રવણ કરો,વાંચન કરો,મનન કરો.
રામ-કથા તમને તમારા જીવન નો અને ઈશ્વરે સોંપેલા ટ્રસ્ટ નો હેતુ સ્પષ્ટ સમજાવશે.

પણ મનુષ્ય નું અભિમાન આમાં આડું આવે છે.અને અભિમાન દૂર કરવા નો રસ્તો ભક્તિ છે.
તુલસીદાસજી રામ-નામ નો મહિમા ગાતાં કદી ધરાતા નથી.
જેવી તેમની રામ-ભક્તિ છે તેવી જ તેમની અપૂર્વ દીનતા છે.તે કહે છે કે-
રામનામ માં સ્નેહ થવો એ પૂર્વજન્મો ના પુણ્ય નું ફળ છે.મારાં પાપ એવાં છે કે,મારાં પાપ સાંભળી નરક પણ નાકનું ટેરવું ચઢાવે છે,પણ શ્રી રામ મારા જેવા પર પણ પરમ કૃપા કરે છે.
તુલસીદાસજી નો આ વિનય છે.

રામ શબ્દ માં “ર-અ-મ” એમ ત્રણ અક્ષરો છે.
“ર” એ અગ્નિનું.”અ” એ સૂર્ય નું અને “મ” એ ચંદ્ર નું બીજ છે. આ ત્રણે મોહ-રૂપી અંધકાર નો નાશ કરે છે.
“ર” કાર બ્રહ્મામય,”અ”કાર વિષ્ણુમય અને  ”મ”કાર એ શિવમય છે.
એવીજ રીતે  કાર માં પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નું સ્વરૂપ છે.એટલે રામ-નામ  કાર સમાન છે.

તુલસીદાસજી કહે છે કે-શરીર ની અંતર-બાહ્ય શુદ્ધિ જોઈતી હોય તો,જીભે થી રામનું “નામ” લો.
રામ-નામ તો દીપક સમાન છે,જીભ ના ઉંબરા પર તે દીપક સ્થિર કરશો તો,
આખા ઘરમાં,અંતરમાં ને જીવન માં અજવાળું થઇ જશે.

શ્રીરામે એક અહલ્યા ને તારી,પણ રામ-નામે તો લાખો-કરોડો સ્ત્રીઓ નો ઉદ્ધાર કર્યો છે.
શ્રીરામે તો શિવજી નું એક ધનુષ્ય તોડ્યું,પણ રામનામ તો ભવના ભય ને ભાગી નાખે છે.
શ્રી રામે તો એક દંડકારણ્ય ને શોભાવ્યું,પણ રામનામતો કરોડો મનુષ્ય ના મન માં નિવાસ કરી તેને પાવન કરે છે.શ્રીરામે રાક્ષસો ના દલ નો સંહાર કર્યો,પણ રામનામતો કળિયુગ ના અનેક ક્લેશોનું નિકંદન કાઢે છે.

શ્રી રામે તો સુગ્રીવ અને વિભીષણ એ બે જ ને આશ્રય આપ્યો પણ રામનામે અસંખ્ય શરણાગતો ને
આશ્રય આપ્યો છે.શ્રીરામે તો રીંછો અને વાનરો ની મદદ લઇ ને અતિ મહેનત કરી સમુદ્ર પર પુલ બાંધ્યો,
પણ રામનામ લેતા વિશાળ સમુદ્ર આખો ને આખો સુકાઈ જાય છે,એના પર પુલ બાંધવાની જરૂર રહેતી નથી,અને સુકાઈ ગયેલા ભવસાગર ને પાર કરવાનું આસાન છે.
આમ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ કરતાં પણ રામ-નામ મોટું છે.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE

રામાયણ-રહસ્ય-16

સુધરવાનું આપણા હાથમાં જ છે.બહારનું કોઈ આવી આપણને સુધારતું નથી કે બગાડતું નથી.અંદર ભેગો થયેલો કચરો જ મનુષ્ય ને બગાડે છે.બાકી મનુષ્ય પોતે જ પોતાના ભાગ્ય નો વિધાતા છે.
ઉદ્ધરેદાત્મનાત્માનમ....પોતે જ (આત્મા વડે) પોતાનો (આત્માનો) ઉદ્ધાર કરવો .એમ ગીતાજી માં લખ્યું છે.
તે માટે જપ એ મોટું એક સાધન છે.કળિયુગ માં યોગ-સાધના વિકટ બની ગઈ છે.તેવે વખતે જપ-યજ્ઞ એ જ મોટો ભેરુ (મિત્ર) છે.

ગીતાજી માં કહે છે કે-બધા યજ્ઞો માં હું જપયજ્ઞ છું.
જપયજ્ઞ એ પ્રભુ નું સ્વ-રૂપ છે.શ્રેષ્ઠ છે.ઈશ્વર ને મેળવવાનું એક સાધન જપયજ્ઞ છે.
શાસ્ત્રોમાં જપ ને માનસિક તપસ્યા કહે છે.જપયજ્ઞ ને મંત્ર યોગ પણ કહે છે.
જપ દ્વારા ઈશ્વર સાથે એકતા સાધવાની હોય છે,યોગ સાધવાનો હોય છે.

માળા ફેરવવાનું દુનિયાના બધા ધર્મો માં છે.ખ્રિસ્તીઓ અને મુસલમાનો પણ માળા ફેરવે છે.
આપણા સનાતન ધર્મમાં જપ ની અને મંત્ર ની એક વિદ્યા છે તે અજોડ છે.

મહાન ઋષિઓ એ મંત્ર નો પાઠ સિદ્ધ કરી સામાન્ય માણસ ને માટે મંત્રો નક્કી કર્યા છે.
મંત્ર-જપ વખતે એક ચોક્કસ નાદ ઉત્પન્ન થાય છે.મંત્ર ની શક્તિ એ શબ્દ (નામ) ની શક્તિ છે.
અને શબ્દ ની શક્તિ તે પરમાત્મા ની શક્તિ છે.તેથી તેને શબ્દ-બ્રહ્મ પણ કહે છે.
યોગીઓ ને સમાધિ માં અનાહત નાદ સંભળાય છે.
અનાહત એટલે જેને કોઈ વગાડનાર નથી છતાં વાગે છે તે......

જપ કરવાથી બ્રહ્મ માં શબ્દ નો પડઘો પડે છે.અને પ્રભુ ની પરમ-શક્તિ નું અવતરણ થાય છે.
મોટે થી જપ કરવા કરતાં મૌનજપ કે માનસી જપ એ વધુ ઉત્તમ છે.
માનસી જપ ની અસર મન પર થાય છે,માનસી જપ માં ધીરે ધીરે જપ નો અર્થ પ્રત્યક્ષ થાય છે.
અને પછી એવી સ્થિતિ થાય છે કે-મનમાં જપ નું રટણ સૂક્ષ્મ-રૂપે ચાલ્યા જ કરે છે.

સવારે નાહી-ધોઈ ને એકાસને બેસી શરીર સ્થિર કરી જપ કરવો ઉત્તમ છે.
તેમ છતાં રામ-નામ તો હાલતાં ચાલતાં,ખાતાં પીતાં,નહાતાં ધોતાં-ગમે ત્યારે લઇ શકાય છે.
ભક્તિ નોં આ મહિમા છે,કળિયુગ માં ભક્તિ વિના બીજું કોઈ સાધન હાથ-વગુ નથી.
નામ-એ જ બ્રહ્મ છે.ઈશ્વર નું નિર્ગુણ સ્વ-રૂપ અતિ સૂક્ષ્મ છે.મન-બુદ્ધિથી તે પર છે.અને
ઈશ્વરનું સગુણ સ્વરૂપ અતિ તેજોમય છે.સગુણ સ્વરૂપ નો સાક્ષાત્કાર કરવાની શક્તિ મનુષ્ય માં નથી.

પરમાત્મા નું સગુણ-રૂપ-દર્શન કરી ને અર્જુન પણ બોલી ઉઠયો હતો કે-
પ્રભુ,તમારું આ રૂપ જોઈ ને મારું મન ભય થી વ્યાકુળ થઇ રહ્યું છે.
ત્યારે નામ-બ્રહ્મ નું દર્શન સર્વ ને થઇ શકે છે.કીર્તન માં તાળી પડવાથી નાદ-બ્રહ્મ થાય છે.
નામ-બ્રહ્મ અને નાદ-બ્રહ્મ –એક થતાં પરબ્રહ્મ પ્રગટ થાય છે.

ઈશ્વર સર્વમાં છે –સર્વવ્યાપક છે –એમ ખાલી બોલવાથી કશી પ્રાપ્તિ થતી નથી કે એમ
જાણવાથી પણ કશી પ્રાપ્તિ નથી,ખાલી ભગવાન ને ચંદન-પુષ્પ ચડાવી દેવા એ કઈ ભક્તિ નથી.
સર્વ માં સદભાવ રાખવો તે ભક્તિ છે.ઈશ્વર ની મૂર્તિ માં જેવો ભગવદભાવ રાખીએ છીએ તેવો
ભાવ ભગવાને રચેલી આ સૃષ્ટિ માં,પદાર્થમાત્રમાં રાખવો અને ઈશ્વર સર્વમાં વિરાજેલા છે,
એવો જે અનુભવ કરે છે તે ધન્ય છે.

પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનાવવો જોઈએ,શુદ્ધ વ્યવહાર તે ભક્તિ છે.
જેના વ્યવહાર માં દંભ છે અભિમાન છે તેને ભક્તિ નો આનંદ આવતો નથી.
મર્યાદા-પુરુષોત્તમ શ્રીરામ આપણ ને વ્યવહારમાં કેમ વર્તવું તે બતાવે છે.

PREVIOUS PAGE         INDEX PAGE       NEXT PAGEરામાયણ-રહસ્ય-15


એકનાથ મહારાજે ભાવાર્થ રામાયણ માં લખ્યું છે કે-
યુદ્ધ માં લક્ષ્મણે ઇન્દ્રજીત નો હાથ કાપી નાખ્યો કે જે ઇન્દ્રજીત ના આંગણામાં જઈને પડ્યો.એ જોઈ ને ઇન્દ્રજીત ની પત્ની સુલોચના સતી થવા નીકળી,પણ ઇન્દ્રજીત નું મસ્તક રામજી પાસે હતું.
તેથી રાવણે કહ્યું કે “તું રામજી ની પાસે જા,એમના દર્શન કરી તારા પતિ નું મસ્તક માગી લાવ”
ત્યારે નવાઈ પામી અને સુલોચના બોલી કે-તમે મને શત્રુની પાસે મોકલો છો?
રાવણે કહ્યું-હું રામને શત્રુ માનુ છું પણ તેઓ મને શત્રુ માનતા નથી.
રાવણ ની રામ પ્રત્યે આવી શ્રદ્ધા હતી.અંતર થી તે રામ ને ઓળખાતો હતો.

મહાભારત માં પણ જેમ દુર્યોધન કહે છે કે-હું ધર્મ ને જાણું છું પણ તેમા હું પ્રવૃત્ત થઇ શકતો નથી,
અને હું અધર્મ ને પણ જાણું છું પણ તેમાંથી હું નિવૃત્ત થઇ શકતો નથી.
તેવું જ રાવણ નું છે. એ જાણે છે કે-રામનો પક્ષ ધર્મ નો પક્ષ છે,છતાં વાસના અને પ્રારબ્ધ કર્મ નો ઘેરાયેલો એ એવો નિર્બળ છે કે-બધું જાણવા છતાં જાત ને બચાવી શકતો નથી.

શિવજી રોજ રામકથા કરે છે,અને જ્યાં રામકથા થાય ત્યાં હનુમાનજી હાજર થાય છે.
હનુમાનજી ની રજા વગર રામના દરબારમાં કોઈ ને પ્રવેશ મળતો નથી.એટલે તો રામ-મંદિર માં
પહેલાં હનુમાનજી નાં દર્શન કરવાં પડે છે.

કેટલાક લોકો શિવજી અને રામજીને, શિવજી અને શ્રીકૃષ્ણ ને જુદા ગણે છે.
કેટલાક લોકો કહે છે કે-અમે તો અનન્ય ભાવે શ્રીકૃષ્ણ કે શ્રીરામની સેવા કરવા વાળા છીએ.
અમે જો શિવજી નું નામ લઈએ તો અન્યાશ્રય થઇ જાય!!
પણ આ ભેદ દૃષ્ટિ ખોટી છે.શિવ,રામ,કૃષ્ણ એ સર્વ એક જ પ્રભુ નાં જ નામો છે.અને તે સર્વે એક જ છે.
જીવ અને શિવ જો જુદા નથી તો રામ અને કૃષ્ણ શિવ થી કેવી રીતે જુદા હોઈ શકે ?
ભક્તિ માં કોઈ એક દેવ મોટા ને બીજા નાના –એવો ભેદ-ભાવ રાખવો જોઈએ નહિ.

તુલસીદાસજી શ્રીરામનું સ્વરૂપ બરોબર ઓળખી ગયા છે એટલે તેઓ રામના મુખે શિવ ની અને શિવ ના
મુખે રામજી ની પ્રશંસા કરાવે છે.એમાં કોઈ કોઈ થી ચડતું કે કોઈ કોઈ થી ઉતરતું નથી.
રામજી કહે છે કે-શિવ થી વધારે મને કોઈ પ્રિય નથી,જેને શિવ ની કૃપા મળતી નથી તેને મારી કૃપા પણ મળતી નથી.આમ રામજી શિવજી ની સ્તુતિ કરે છે.
જયારે બીજી તરફ શિવજી રામજી ની સ્તુતિ કરતાં કહે છે કે-રામના જેવો ઉદાર આ જગતમાં કોઈ નથી.વગર સેવાએ દીન પર રીઝે એવા તો જગતમાં એક રામ જ છે.મુનિઓ યોગ-સાધન કરી ને જે ગતિ પામતા નથી તે ગતિ,શ્રીરામ તેમના ભક્તો ને સહેજ માં આપે છે.

રામાયણ માં રામજી નું પ્રાગટ્ય થયું છે એમ લખ્યું છે,રામજી નો જન્મ થયો એવું લખ્યું નથી.
પરમાત્મા નો જન્મ કેવી રીતે થાય? એતો નિરંજન,નિરાકાર,અવિનાશી અને અવ્યક્ત છે.
છતાં પરમાત્મા પોતાના નિર્ગુણ સ્વ-રૂપ માંથી સાકાર સ્વરૂપે પ્રગટ થાય છે.
પરમાત્મા વિનાનું આ વિશ્વમાં (બ્રહ્માંડમાં) કોઈ સ્થળ નથી,વિશ્વ માં જે કંઇ છે તે સર્વ ઈશ્વર છે.
આવા સર્વ-વ્યાપી ઈશ્વર પોતાનીજ માયા ના પડદામાં ઢંકાયેલા હોવાથી,દેખાતા નથી.
આ માયા નો પડદો સોના જેવો મોહક અને ભભકાદાર છે.ને પ્રભુનું દર્શન થવા દેતો નથી.
પ્રભુને પણ પ્રગટ થવું ગમતું નથી,ગુપ્ત રહેવા તે આતુર છે. એ એમની લીલા છે.
તેમને પ્રગટ કરવાની શક્તિ રામ-નામ ના મંત્રમાં છે.

રામ-નામ જુના પાપો નાશ પામે છે અને નવા પાપો થતાં અટકે છે.
જુના પ્રારબ્ધ નો નાશ કરવાની શક્તિ પણ રામનામ માં છે.જપ નો આ પ્રતાપ છે.
દુર્યોધન કહે છે કે-હું જાણું છું કે પાપ શું છે,પણ પાપ કર્યા વગર હું રહી શકતો નથી.
એટલે કે એના પૂર્વ-જન્મ ના પાપ ના સંસ્કાર એટલા પ્રબળ છે કે,એ સંસ્કાર ને બળે પાપ થઇ જાય છે.

પાપ ના સંસ્કાર જેમ બળવાન છે તેમ પુણ્ય ના સંસ્કાર પણ એટલા જ બળવાન હોય છે.
રામનામનો જપ કરવાથી પુણ્ય ના સંસ્કારો બંધાય છે,ભવિષ્ય ને તે ઘડે છે અને વર્તમાન ને સુધારે છે.
તે ભૂતકાળ ના પ્રારબ્ધ કર્મો ને પણ નબળા પડી ને વખત જતાં દૂર કરે છે.
આ ચમત્કાર રામ-નામ ના જપ નો છે.મન ને સુધારવા નો બીજો સીધોસાદો કોઈ ઉપાય નથી.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGEરામાયણ-રહસ્ય-14

રામજી ની નજરમાં ઊંચ,નીચ,ગરીબ કે શ્રીમંત –એવો કોઈ ભેદભાવ નથી.આથી નાના-મોટા બધા સેવકો પુરા ભક્તિભાવ થી તેમની સેવા કરે છે.એમની સેના માં નથી પગારદાર નોકરો કે નથી ભીષણ શસ્ત્રાસ્ત્રો.
રાવણ લડવા માટે રથ માં બેસી ને આવે છે,અને રામજી તો પગે ચાલી ને જ જાય છે.યુદ્ધ એમને પ્રિય નથી ,પણ ધર્મસંકટ છે.
રાવણ રણમાં પડ્યો,ત્યારે તેની અંત્યેષ્ટિ ક્રિયા તેઓ રાજ-સન્માન-પૂર્વક અને વિધિપૂર્વક કરાવે છે.અને રાવણ ને વેદાવદ મહાત્મા તરીકે વર્ણવે છે.

ધર્મ ના બળ પર વિજય મેળવી ને રામજી અયોધ્યા આવી ને અયોધ્યા-પતિ બન્યા.
ત્યારે એવો યુગ પ્રવર્તયો કે લોકો આજે પણ તે સમય ને રામ-રાજ્ય કહે છે.
તુલસીદાસે રામરાજ્ય ને “સુ-રાજ્ય” અથવા “ધર્મ-રાજ્ય” તરીકે ઓળખાવ્યું છે.
રામરાજ્ય ની સ્થાપના માત્ર સ્થૂળ ધરતી કે સ્થૂળ શરીર પર નહિ પણ લોકો ના અંતરમાં થઇ છે.
એટલે જ લોકો આજે પણ રામ-રાજ્ય ને યાદ કરે છે.

વાલ્મિકીજી શ્રીરામ ને સત્ય-પ્રતિજ્ઞ,સત્ય-ધર્મ-પરાયણ-અને સત્પુરુષ કહ્યા છે.
લોકો ના આદર્શ તરીકે રામજી નું ચરિત્ર, એ -હૃદય,બુદ્ધિ,ભક્તિ તમામનો સુંદર સમન્વય બતાવે છે.
માનવી ની તમામ સદવૃત્તિઓ અને સદાચારો નો સમન્વય રામજી માં જોવા મળે છે.

ભગવાન શંકર રામાયણ ના આચાર્ય કહેવાય છે.શિવજી જગતને બતાવે છે કે-
હું ઝેર પી ગયો,પણ રામ-નામ ના પ્રતાપે મને કશું થયું નહિ.
ભગવાન શિવ નિત્ય રામ-નામ નું પાન કરે છે તેથી તે શિવ છે. શિવ એટલે કલ્યાણ-સ્વરૂપ.
શિવજી કહે છે કે-હું રામકથા કરું છું પણ રામજી કેવા છે તે હું જાણતો નથી.
શિવજી નો આ વિનય છે. જે એમ કહે કે હું કંઈ જાણતો નથી –તે બધું જાણે છે.
બાકી આજ-કાલ થોડું ભણેલા પણ મહાજ્ઞાની હોવાનો દેખાવ કરે છે.

શિવજી રોજ ઉમાને રામકથા સંભળાવે છે.શિવજી કહે છે કે-
હે સુમુખી,હું તો સદા “રામરામ રામરામ” ના મનોરમ જપ માં લીન રહું છું.
“રામ રામેતિ રામેતિ રામે  રામે મનોરમે,સહસ્ત્રનામ તુલ્યમ રામનામ વરાનને”
આ મંત્ર ને શ્રીરામ મહામંત્ર કહે છે.રામ નું નામ ભગવાન નાં હજાર નામ બરાબર છે.
એટલે કે જેવું વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર, તેવું જ રામરક્ષા સ્તોત્ર.

રામરક્ષા સ્તોત્ર ની શરૂઆત માં જ કહ્યું છે કે-
“ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ,એકૈકમક્ષરમ્ પુંસાં મહાપાતક નાશનમ”
(રઘુપતિ રામ ના ચરિત્ર નો શતકોટિ વિસ્તાર છે,એના એક એક અક્ષર મનુષ્યોના મહાપાતકોનો નાશ
કરનાર છે.)
શતકોટિ એટલે સો કરોડ.કહે છે કે-રામચરિત્ર નું વર્ણન ભગવાન શંકરે સો કરોડ શ્લોકો માં કર્યું છે.
એકવાર દેવો,દૈત્યો અને ઋષિઓ શિવજી ની પાસે આવ્યા ને એમણે રામાયણ ની માગણી કરી.
માગે એને ના કેમ કહેવાય? અને શિવજી તો પાછા આશુતોષ.જલ્દી પ્રસન્ન થાય તેવા.
શિવજીએ સરખે ભાગે રામ-કથા વહેંચી અને છેલ્લે માત્ર “રામ નું નામ” રહ્યું તે પોતે રાખ્યું.
દૈત્યો પણ રામ-કથા નો પાઠ કરતા હતા.રામજી નાં વખાણ તો રાવણે પણ કર્યાં છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGEરામાયણ-રહસ્ય-13

એક માલિક (સ્વામી) તરીકે-રામજીએ હનુમાન જી તરફ શ્રદ્ધા અને ઋણ બતાવ્યું છે તે અદભૂત છે.
સીતાજી ના સમાચાર લઇ ને હનુમાનજી રામ પાસે આવે છે ત્યારે,
માલિક નું મન હનુમાનજી ની સન્મુખ થઇ શકતું નથી,શ્રી રામ કહે છે કે-“હે હનુમાન,હું તારો ઋણી છું અને ઋણી જ રહેવા માગું છું,તારું ઋણ વળવાનો હું વિચાર પણ કરી શકતો નથી,તારું ઋણ વળ્યું વળાય તેમ નથી,તારા ઋણ ના લીધે મારું મન તારી સન્મુખ પણ થઇ શકતું નથી.”

પ્રતિ ઉપકાર કરૌકા તોરા,સનમુખ ના હોઈ શકત મન મોરા,
સુનું સૂત તોહી ઉરીન મૈ નાહી,દેખેઊ કરી વિચાર મન માંહી.(સુંદર કાંડ)

ભક્ત ભગવાન ને ઋણી બનાવે છે.ભક્ત શાહુકાર અને ભગવાન દેવાદાર.સેવક ઋણદાતા અને સ્વામી ઋણી!
કૃષ્ણ જન્મ માં પણ શ્રીકૃષ્ણ ગોપીઓ ના દેવાદાર રહ્યા છે. તેમના ઋણ માં રહેવાનું તેમણે પસંદ કર્યું છે.
કહે છે કે-હું અમર શરીર થી અનંત કાળ લાગી તમારી સેવા કરું પણ તમારા પ્રેમ,સેવા ને ત્યાગ નો બદલો હું ચૂકવી શકું તેમ નથી.હું તમરો જનમોજનમ નો ઋણી છું.તમે ભલે મને ઋણ-મુક્ત કરો પણ હું તો
સદાય તમારો ઋણી રહીશ.

રામજી એ કોઈ પણ જીવ નું દિલ દુભવ્યું નથી.
જયારે,રામજી ને કૈકેયી એ વનવાસ આપ્યો ત્યારે રામજી કૈકેયી ને પગે લાગી ને કહે છે કે-
મા,મારો ભરત રાજા થતો હોય તો ચૌદ વરસ તો શું પણ આખી જિંદગી હું વનવાસ માં રહેવા તૈયાર છું.
મા,હું જાણું છું કે ભરત કરતાં તમને મારા પર વિશેષ પ્રેમ છે, વનમાં મને ઋષિ-મુનિઓ અને તપસ્વીઓ નો  સત્સંગ થાય તેથી જ તમે મને વનવાસ મોકલો છો. અમારા કલ્યાણ સિવાય તમારા મનમાં બીજી કોઈ કામના નથી.

રામજી સરળ છે તો સીતાજી ની સરળતા પણ એથીયે અલૌકિક છે.
હનુમાનજી, સીતાજી ને લંકાની અશોકવાડીમાં મળે છે.છેલ્લે વિદાય સીતાજી કહે છે કે-
તું આવ્યો તે સારું થયું,પણ તારા ગયા પછી રાક્ષસીઓ મને બહુ ત્રાસ આપશે.
રાક્ષસીઓ કેવો ત્રાસ આપતી હતી તે હનુમાનજી એ નજરે જોયું હતું.એટલે હનુમાનજી કહે છે કે-
માતાજી,આપ આજ્ઞા કરો, તો હમણાં જ આપને મારા ખભા પર બેસાડી રામજી પાસે લઇ જાઉં.

ત્યારે સીતાજી કહે છે કે-ના,તું મારો દીકરો છે,બાળબ્રહ્મચારી છે,પવિત્ર છે,તેમ છતાં તું પુરુષ અને હું સ્ત્રી છું,
મારા માટે પર પુરુષ નો સ્પર્શ વર્જ્ય છે.
એવા જ બીજા પ્રસંગે-
સીતાજી રાક્ષસીઓ થી ઘેરાયેલાં છે,ત્યારે રાવણ મ્યાન માંથી તલવાર કાઢી ને કહે છે કે-
બે મહિના માં તું મને તાબે નહિ થાય તો,તલવારથી તારું હું તારું માંથી કાપી નાખીશ.
સીતાજી તે વખતે પોતાની અને રાવણ ની વચ્ચે એક તણખલું મૂકે છે,તે એવું બતાવવા કે,
“મારે મન તું તણખલા ની તોલે છે.” અને પછી કહે છે કે-
મારા પ્રભુ ભગવાન રામચંદ્રજી ની ભુજાઓ શ્યામ કમળ ની માળા સમાન સુંદર અને હાથી ની સૂંઢ સમાન બળવાન છે,હે શઠ,તું સાંભળ,મારા કંઠ (ગળા) માં કાં તો એ ભુજાઓ પડશે કાં તો તારી તલવાર પડશે.
મારી કઠોર પ્રતિજ્ઞા છે કે,આ ગરદન ને ત્રીજી કોઈ ચીજ સ્પર્શ કરી શકશે નહિ.

સતી અનસૂયા એ સીતાજી ને વનવાસ સમયે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે-
હે સીતા,પતિવ્રતા તરીકે લોકો તને સદા સ્મરશે.
સીતાજી સ્ત્રી ધર્મ નું તત્વ જગતને બતાવે છે,અને જગત ને અદભૂત આદર્શ પુરો પાડે છે.

લંકા-વિજય કરી રામ જયારે અયોધ્યા પાછા ફરે છે ત્યારે,સૌથી પહેલા ગુરૂ વશિષ્ઠ પાસે જાય છે.
અને તેમનો ચરણ-સ્પર્શ કરી સાથે આવેલા બધા મિત્રો ને કહે છે કે-
આ અમારા પૂજ્ય,કુલગુરુ વશિષ્ઠ જી,કે જેમની કૃપા થી મને રણમાં વિજય મળ્યો.
પછી મિત્રો નો પરિચય આપતાં તે ગુરૂ વશિષ્ઠ ને કહે છે કે-
યુદ્ધ નો યશ આ મારા શું મિત્રો નો છે,તેમની મદદ થી જ હું અઘરું કામ પૂર્ણ કરી શક્યો.
આમ, વિજય નો બધો યશ,રામજી બીજા ને દઈ દે છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGEરામાયણ-રહસ્ય-12

સીતાજી ના હરણ પછી,શ્રીરામ શબરી ના આશ્રમ માંથી નીકળી,પંપા સરોવર ના કિનારે લક્ષ્મણજી જોડે વાર્તાલાપ કરતા બેઠા હતા,ત્યારે શંકરજી આકાશમાંથી તેમણે નિહાળી રહ્યા હતા,
શંકરજી ને રામજી પ્રસન્ન ચિત્ત દેખાય છે.પણ તે જ સમયે નારદજી ત્યાં આવે છે તેમને શ્રીરામ વિરહવંત દેખાય છે. ઈશ્વર ના સ્વરૂપ ની આ બલિહારી છે.

તુલસીદાસજી આ ભાવ સ્વરૂપ નું આપણી આગળ વર્ણન કરે છે.
કોઈ ને રામનું મર્યાદા-સ્વ-રૂપ ગમે ,કોઈ ને કૃપા-રૂપ ગમે,કોઈને કોમળ-રૂપ ગમે તો કોઈને વીર-રૂપ ગમે.જેને રામજી નું જે રૂપ પ્રિય હોય તે સ્વ-રૂપે તે દેખાય છે.

જનક રાજાના દરબારમાં રાજાઓ,ઋષિ-મુનિઓ,સ્ત્રીઓ-સહુ ને શ્રીરામ જુદા જુદા રૂપે દેખાય છે.
તેવી જ રીતે વનવાસ પુરો કરી ને અયોધ્યા આવે છે ત્યારે સહુ ને એક સાથે મળે છે.
કોઈ ને વંદન તો કોઈ ને ભેટી ને મળે છે, જેનો જેવો ભાવ.

એટલે જ તુલસીદાસજી કહે છે કે-રામ-કથા તો પતિતપાવની ગંગા છે.
આવો,એમાં સ્નાન કરો અને પવિત્ર થાઓ. ગંગાજી કદી પૂછતા નથી કે તમે કેવા મેલાઘેલા છે?
એ તો કહે છે કે-આવો,પધારો હું તમારું સ્વાગત કરું છું.
રામજી-રૂપ (રામ-કથા રૂપ) ગંગાજી એકદમ નજીક છે,હાથ પર છે,ડૂબકી મારો તેટલી જ વાર.....

તુલસીકૃત રામાયણ માં ગંગાજી ને પેઠે શ્રીરામ એકદમ નજીક લાગે છે,
વાલ્મીકિ રામાયણ માં એટલા સમીપ લાગતા નથી.
એટલે જ સંતો કહે છે કે-
શ્રીરામ ને ભક્ત ની નજક લાવવા માટે વાલ્મીકિ એ જ તુલસીદાસજી રૂપે અવતાર લીધો હતો,

તુલસીદાસજી કહે છે કે-જાકી રહી ભાવના જૈસી,પ્રભુમૂરત દેખી તીન તૈસી”
(જેવી જેની ભાવના તેવી પ્રભુ ની મૂર્તિ તેમને દેખાય છે.)
પરમાત્મા-સ્વ-રૂપ ની આ સ્વાભાવિક લીલા છે.

ધનુષ્ય-ભંગના પ્રસંગ સમયે-પરશુરામજી ક્રોધ કરી ને ધસી આવે છે,ત્યારે રામજી નો વર્તાવ
સ્વસ્થ,શાંત અને સંયમી છે.તેમની નમ્રતા અદભૂત છે.
જે શિવ-ધનુષ્ય ને રાવણ જેવો મહાબલિ ઊંચકી શકતો નથી તેને શ્રીરામ ઊંચકી ને રમત રમતમાં
ઊંચકી લે છે,તેવા અતિ શક્તિશાળી મહામાનવ પ્રભુ ની નમ્રતા કેવી અજોડ છે !!
પરશુરામજી ને કહે છે કે-મહારાજ,તૂટેલું ધનુષ્ય તો સંધાવાનું નથી,
પણ ઉભા રહી ને આપણા પગમાં પીડા થતી હશે,આપ આસન ગ્રહણ કરો,તો હું આપની સેવા કરું.

એક મિત્ર તરીકે રામજી સુગ્રીવ ને કહે છે કે-મિત્ર નું દુઃખ જોઈ ને જે દુઃખી થતો નથી તેનું મોઢું જોવામાં પણ પાપ છે.ખરો મિત્ર તે છે કે પોતાના પહાડ જેવા દુઃખ ને રજ સમાન ગણી,
મિત્ર ના રજ જેવડા દુઃખ ને મેરુ (પહાડ) સમાન જાણે.
“નિજ દુઃખ ગિરિ સમ રજ કરી જાના,મિત્રક દુઃખ રજ મેરુ સમાના”
સીતાજીના અપહરણ નું દુઃખ મેરુ સમાન હતું તેમ છતાં સુગ્રીવ ની વહારે ધાયા છે.
સીતાજી ના વિયોગ થી થયેલ રામની વેદનાનો ભાવ એ રામાયણ નો એક  ઉત્તમ અંશ છે.
મનુષ્ય નો અવતાર ધારણ કર્યો એટલે રામજી ની આ સ્વાભાવિક લીલા છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGEરામાયણ-રહસ્ય-11

રામજી મર્યાદા પુરુષોત્તમ છે.અને રામાયણ એ મર્યાદા સંહિતા છે.
રામજી એ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યો ને મર્યાદાઓ નું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે  સંપ્રદાય માં માનતો હોય કે ,કોઈ પણ દેવ –દેવી કે ભગવાન માં માનતો હોય,પણ રામજી ના જેવી મર્યાદાનું પાલન,કે રામજી ના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિ નો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.

રામજી નું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ” નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજી ના જેવું રાખવામાં આવે,અને રામ-નામ નો જપ કરવામાં આવે તો,તાળવા માંથી અમૃત ઝરે છે.

શ્રી રામ નો અવતાર રાક્ષસોનો ના સંહાર માટે થયો નથી,
પણ મનુષ્યો ને ઉચ્ચ આદર્શો બતાવવા માટે થયો છે.રામજી સર્વ સદગુણો નો ભંડાર છે.
પોતે પરમાત્મા હોવા છતાં તેઓ સામાન્ય  જીવન ની બધી મર્યાદાઓનું બરાબર પાલન કરે છે.
એટલે જ વાલ્મીકિ ને શ્રીરામની સાથે સરખાવવા જેવું કંઈ જડતું નથી.
તેમણે ખૂબ વિચાર કર્યો કે રામ ને કોની સાથે સરખાવું? રામને શી ઉપમા આપું?
પણ કોઈ ઉપમા જડી નહિ.ત્યારે કહે છે કે-“રામના જેવા જ રામ છે.”
રામ-રાવણ નું યુદ્ધ પણ મર્યાદાઓના પાલન સાથે નું એવું નીતિ-શુદ્ધ છે,કે વાલ્મીકિજી કહે છે કે-
રામ-રાવણ નું યુદ્ધ તો રામ-રાવણ ના યુદ્ધ જેવું જ છે.

રામજી નું સંપૂર્ણ જીવન અનુકરણ કરવા માટે છે.કૃષ્ણ જીવન અનુકરણ માટે નથી.
કૃષ્ણ જીવન તેમની લીલા ઓ નું સ્મરણ કરી તન્મય થવા માટે છે.
ગોકુલ-લીલા માં પુષ્ટિ છે.રામ-લીલામાં મર્યાદા છે,
રામજી ની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય છે-એવું નથી.
રામજી નું સમગ્ર વર્તન અનુકરણીય છે. શ્રીરામ માં સર્વ એકે એક સર્વ -સદગુણો ભરેલા છે.

આજકાલ મનુષ્ય એક બાજુ થી પુણ્ય કરે છે અને બીજી બાજુ પાપ કરવાનું ચાલુ રાખે છે
સરવાળે કંઈ હાથમાં આવતું નથી,રામજી સ્થિર-દૃઢ-સમ-ભાવ રાખવાનું કહે છે.
શ્રીરામ સદા માત-પિતાની આજ્ઞા માં રહેતા,સદા માતા-પિતા,ગુરૂ,વડીલો ને પ્રણામ કરતા.
પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખે છે.
આજકાલ તો છોકરાઓને બાપ ની મિલકત લેતાં સંકોચ-શરમ આવતી નથી,પણ
બાપ ને વંદન કરતાં શરમ આવે છે.

રઘુનાથજી ની ઉદારતા,તેમની દીન-વત્સલતા નો જગતમાં જોટો જડે તેમ નથી.
રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી.તેથી મહાત્માઓ રામ-ચરિત્ર ને અલૌકિક અને દિવ્ય કહે છે.
રામજી મહાન પિતૃભક્ત છે.તેમનું વચન રાખવા રાજપાટ મૂકી ને ને વન માં ગયા,તેમણે પિતાના વ્યક્તિત્વ નું બધું માન્ય કર્યું પણ એક વસ્તુ તેમણે પિતાની જેવી નથી સ્વીકારી-અને તે તે -પિતાનું બહુ-પત્નીત્વ.
મુખ થી નહિ પણ આચરણ થી તેમણે એ બતાવ્યું છે.મુખ થી બોલે તો પિતાનું અપમાન થાય.
એટલે પૂર્ણ શુદ્ધ આચરણ કરી પોતાનું અજોડ એકપત્ની-વ્રત અને પિતૃભક્તિ બતાવી છે.

વાલ્મિકીજી એ રામાયણ-કાવ્ય લખ્યું તેમાં ઇતિહાસ મુખ્ય છે.
તુલસીદાસજી એ રામચરિત-માનસ કાવ્ય લખ્યું તેમાં ભાવ મુખ્ય છે.
ઇતિહાસ મનુષ્ય ના જ્ઞાન ની વૃદ્ધિ કરી શકે પણ અંતઃકરણ ને સંતોષ અને શાંતિ આપી શકતો નથી.
શાંતિ નો અનુભવ માત્ર ભાવ-દૃષ્ટિ થી જ થઇ શકે. એ કામ તુલસીદાસજી એ પુરુ કર્યું છે.
વાલ્મીકિ અવતાર માં અધૂરું રહેલું કાર્ય તેમણે તુલસીદાસજી રૂપે પુરુ કર્યું છે.
આમ વાલ્મિકીજી એક રૂપે અને તુલસીદાસજી બીજી રૂપે શ્રીરામ ને જુએ છે.
તેથી તેમની કથામાં સ્વાભાવિક રીતે થોડું અંતર દેખાય છે.
પણ હરિ અનંત રૂપ છે તો તેમની કથા એક રૂપ માં જ કેવી રીતે હોઈ શકે?
“હરિ અનંત હરિકથા અનંતા,કહ્હિં સુનહિં બહુ વિધિ સબ સંતા”
હરિ કથા કહેવામાં અને સાંભળવામાં પણ અનંત છે.

ઉપનિષદ માં પણ આવે છે કે-એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ”
(સત્ય એક પણ વિપ્રો તેનું અનેક રીતે વર્ણન કરે છે)  એવું જ હરિકથા નું છે.
જેવો જેનો ભાવ તેવું હરિકથાનું સ્વ-રૂપ.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE