માડી તારું કંકુ ખર્યું ને સુરજ ઉગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો,...કંકુ..
મંદિર સર્જાયું ને ઘંટારવ ગાજ્યો,
નભ નો ચંદરવો મા એ આંખ્યું માં આંજ્યો,
દીવો થવા મંદિર નો ચાંદો આવી પૂગ્યો......કંકુ...
માવડી ની કોટ માં તારલા ના મોતી,
જનની ની આંખ્યું માં પૂનમ ની જ્યોતિ,
છડી રે પુકારી માની મોરલો ટહુક્યો...કંકુ...
નોરતા ના રથના ઘૂઘરા રે બોલ્યા,
અજવાળી રાતે માએ અમૃત ઢોળ્યા,
ગગન નો ગરબો મા ના ચરણોમાં ઝૂક્યો....કંકુ...