દયાના સાગર થઇ ને ,કૃપા રે નિધાન થઇ ને
છો ને ભગવાન કહેવરાઓ પણ મારા રામ તમે સીતાજી ને તોલે ના આવો......
સોળે સણગાર સજી મંદિર ને દ્વારે તમે
ફૂલ ને ચંદન થી છો પૂજાઓ --પણ રામ તમે...
કાચા રે કાન તમે ક્યાંના ભગવાન તમે
અગ્નિ પરીક્ષા કોની કીધી?
તારો રે પડછાયો થઇ જેને વગડો રે વેઠ્યો
એને લોકોની વાતે ત્યાગી દીધી
પતિ થઇ પત્ની ને પારખતા ના આવડી
છો ને ઘટ ઘટ ના જ્ઞાતા થઇ ફૂલાઓ---પણ રામ તમે
તમથી એ પહેલા અશોકવન માં
સીતાજી એ રાવણને હરાવ્યો
દૈત્યોના બીચ માં નિરાધાર ધારી તોયે
દસ માથા વાળો ત્યાં ના ફાવ્યો
મરેલા ને માર્યો તેમાં કર્યું શું પરાક્રમ
અમથો વિજય નો લુંટ્યો લ્હાવો...પણ રામ તમે ......