આજની ઘડી તે રળિયામણી
મારો વા’લાજી આવ્યાની વધામણી જી રે ….. આજની ઘડી
તરિયા તોરણ તો બંધાવિયા
મારા વ્હાલાજીને મોતીડે વધાવિયા જી રે ….. આજની ઘડી
લીલુડા વાંસ વઢાવીએ
મારા વ્હાલાજીનો મંડપ રચાવીએ જી રે …... આજની ઘડી
પૂરો સોહાગણ સાથિયો
વ્હાલો આવે મલકતો હાથિયો જી રે ……….. આજની ઘડી
જમુનાનાં જળ મંગાવીએ
મારા વ્હાલાજીનાં ચરણ પખાળીએ જી રે ….. આજની ઘડી
સહુ સખીઓ મળીને વધાવીએ
મારા વ્હાલાજીના મંગળ ગવડાવીએ જી રે … આજની ઘડી
તન મન ધન ઓવારીએ
મારા વ્હાલાજીની આરતી ઉતારીએ જી રે … આજની ઘડી
રસ વાધ્યો અતિ મીઠડો
મ્હેતા નરસિંહનો સ્વામી દીઠડો જી રે ……... આજની ઘડી