=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૨.

Gujarati Bhajan-Narsinh Mehata-ગુજરાતી ભજનો-નરસિંહ મહેતા-૪૨.





ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,
વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયું
તે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર…………..ગોરી તારાં નેપુર


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,
પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,
અમને નહિ અમારાની આશ !...................ગોરી તારાં નેપુર



કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,
સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,
પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?........................ગોરી તારાં નેપુર


મારે આંગણે આંબો મહોરિયો રે,
ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !
હું રે વેજું ને તું રે ચાખ……………………...ગોરી તારાં નેપુર


મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,
બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,
હૈયું થયું છે કોમળ ગેહેલ…………………..ગોરી તારાં નેપુર 




ગોરી તારાં નેપુર રણઝણ વાજણાં રે,વાજ્યાં કાંઈ માઝમ રાત મોજાર;
સૂતું નગર બધું જગાડિયુંતે તો તાહરાં ઝાંઝરનો ઝમકાર


(અહીં એક ગોપી બીજી ગોપી ને ઉદ્દેશી ને કહે છે કે-આખી રાત તુ રાસમાં રમી ને તારા ઝાંઝર નો રણકાર (નાદ) થી નગર જાગ્યું)


સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે,પિયુડો તે પોઢ્યો પાડોશણ પાસ;
એક ને અનેક વહાલો મારો ભોગવે રે,અમને નહિ અમારાની આશ !


(ગોપીએ પોતાની શરીર રૂપી સેજલડી ને ઢંઢોળી,પણ તેને પોતાની અંદર ના આત્મા (કૃષ્ણ ) દર્શન ના થયા
અને તેને એમ લાગે છે કે-મારો એ કૃષ્ણ (આત્મા) તો પડોશણ એટલે બીજી ગોપીમાં છે.
એટલે કે પોતાના માં નહિ પણ બીજા માં તેને કૃષ્ણ નો ભાસ થાય છે.
એ કૃષ્ણ પરમાત્મા રૂપે એક છે અને આત્મા રૂપે અનેક માં દરેક માં છે,અને આત્મા બની ને શરીર ને ભોગવે છે,
ગોપી ને બીજી ગોપીમાં જ દર્શન થવાથી ઈર્ષ્યા ભાવ થયો,
પણ પછી વિચાર્યું કે પોતાના માં રહેલા કૃષ્ણ (આત્મા) ની આશ પોતે કેમ ના રાખી? તેનું તેને આશ્ચર્ય થાય છે.


 
કૂવો હોયે તો ઢાંકીને મૂકીએ રે,સૈયર ઢાંક્યો ક્યમ જાય ?
મનનો માન્યો હોય તો કાઢી મૂકીએ રે,પરણ્યો કાઢી ક્યમ મૂકાય ?


હવે જયારે તેને પોતાના માં જ શ્રીકૃષ્ણ ના (આત્માના) દર્શન થયા,ત્યારે ફરી પછી ભાવ વિભોર થઇ જઈ ને
કહે છે કે -આ કૃષ્ણ તો ક્યાં મન નો માન્યો છે? એ તો જન્મ થી સાથે જ છે,તેની સાથે મીરાંબાઈ ને જેમ લગ્ન થયું છે,
એ તો ક્યાં કુવો છે કે તેને ઢાંકો? એણે કાઢી શકાય તેમ નથી.પણ કોઈ વખત તે ભૂલી ગઈ કે તે
પોતાના માં  ના હોતાં બીજાના માં છે.


મારે આંગણે આંબો મહોરિયો રે,ગળવા લાગી છે કાંઈ સાખ;
ઊઠો ને આરોગો, પ્રભુજી પાતળા રે !હું રે વેજું ને તું રે ચાખ


પણ હવે જયારે તેને ચોક્કસ ખબર પડી ગઈ કે પોતાના અંદર( આંગણે) રહેલો આત્મા-રૂપી કૃષ્ણ નો આંબો
મહોરી ઉઠયો છે અને તેનું  ફળ પાકું થયું છે,એટલે તે પોતાના આત્મા ને જ ઉઠાડી ને કહે છે કે-
તમારું ફળ તમે જ ખાઓ.હું તે તમારી આગળ વેરું છું અને તમે ખાવ.



મારે આંગણે દ્રાક્ષ, બિજોરડી રે,બિચ બિચ રોપી છે નાગરવેલ;
નરસૈંયાનો સ્વામી મંદિર પધારિયો રે,હૈયું થયું છે કોમળ ગેહેલ


નરસિંહ કહે છે કે-મારા હૈયામાં પરમાત્મા રૂપી ફળ ની પ્રાપ્તિ થઇ જઈ અને
તે એકદમ કોમળ બની ગયું છે અને તેને હવે ક્યાંય બીજે પરમાત્માની શોધ કરવાની જરૂર નથી.