=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-02

રામાયણ-રહસ્ય-02

આ જગત પ્રભુ નો આવિર્ભાવ છે,જગતમાં સર્વ જગ્યાએ પ્રભુ સિવાય બીજું કશું નથી.પ્રભુ નું સ્વ-રૂપ એ આનંદ-સ્વ-રૂપ છે.
રામજી ના ચરણમાં આનંદ,રામજી ના મુખમાં આનંદ,રામજી ના હાથમાં આનંદ.....રામજી નું આખું શ્રી-અંગ આનંદ-આનંદ છે.આનંદ સિવાય બીજું કશું નથી.

કેટલાક કહે છે કે “ઈશ્વરમાં આનંદ” છે,પરંતુ તેમ નથી, “ઈશ્વર જ આનંદ છે."
ઈશ્વર અને આનંદ એ બે અલગ તત્વો નથી. ઈશ્વર થી અલગ-ઈશ્વર થી સ્વતંત્ર કોઈ તત્વ છે જ નહિ.વ્યાસજી કહે છે કે-પરમાત્મા આનંદ-મય છે,આનંદ અને ઈશ્વર ભિન્ન નથી.
આ જ અદ્વૈત સિદ્ધાંત છે.


આનંદ,ઈશ્વર,રામ,કૃષ્ણ-એ બધાં એક ઈશ્વરનાં જ નામ છે.
સોનાની લગડીમાંથી એક મૂર્તિ બનાવી,તો મૂર્તિ ના હાથ,પગ,આંખ,મુખ,-બધે સોનું જ છે,
જેમ,સોનું એક જ છે,અલગ નથી,તેવી રીતે ઈશ્વરનું સ્વ-રૂપ આનંદ-મય છે.

તુલસીદાસજી ને કોઈએ પૂછ્યું કે-ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ?
ત્યારે તુલસીદાસે જવાબ દીધો કે-“હિય નિર્ગુણ-નયનનિ સગુણ”
(ઈશ્વર મારા હૈયામાં નિર્ગુણ-નિરાકાર છે,પણ મારી આંખોમાં સગુણ-સાકાર છે.)
અંતર્યામી-રૂપે પ્રભુ હૃદયમાં તો બેઠો છે,પણ તેનાથી આંખને સંતોષ થતો  નથી,
આંખ ને તો પ્રભુ ની રૂપ-માધુરી જુએ તો જ સંતોષ થાય,તૃપ્ત થાય.

અને જીભ ની વાત તો વળી અનોખી જ છે.
તુલસીદાસ કહે છે –“રસના સુનામ” (જીભે રામ-નામ છે.)
સગુણ અને નિર્ગુણ એ દાબડી ના બે ભાગ છે,અને એ દાબડી માં સંતાડેલું રત્ન તે રામ-નામ છે.
ઈશ્વર ને નામ દઈ ને પોકારો તો તે-જેવો હશે તેવો આવી ને પ્રગટ થશે.
હું તો સગુણ-નિર્ગુણ બેય નું સ્વાગત કરું છું,બેય મારા આદરણીય અતિથી છે.

જે જ્ઞાની છે તે સમુદ્રમાં મોતી  લેવા ડૂબકી મારતા મરજીવા જેવો છે,તે રામ-ચરિત્ર ના ઊંડા જળમાં
ડૂબકી મારે છે,ને પોતાને ભગવાન માં ડૂબાડી દે છે,ત્યારે,
જે ભક્ત છે તે સ્વયં ભગવાન ને પોતાની અંદર ખેંચી લાવે છે,તે રામ-ચરિત્રની મધુરતાનો આનંદ માણે છે.
ભક્ત ધારે તે રૂપ ભગવાન પાસે લેવડાવે છે.

કાકભુશુંડિ શ્રીરામ ના ઉદરમાં અનંત બ્રહ્માંડો નું દર્શન કરે છે,સો કલ્પ સુધી તે બ્રહ્માંડો માં વિહરે છે,
ને તે પછી જયારે બહાર આવે છે ત્યારે માત્ર બે ઘડી જ વીતી હોય છે!!
આનો અર્થ એ કે-દેશ અને કાળ જેની આપણે ખૂબ માથાફોડી કરીએ છીએ-તે તત્વતઃ કશું નથી.
ગમે તે દેશમાં કે ગમે તે કાળ માં રામજી નાં દર્શન થઇ શકે છે.શ્રીરામ શાશ્વત છે.

PREVIOUS PAGE            INDEX PAGE                NEXT PAGE