દુનિયાના સાધારણ વ્યવહારમાં સુખ-સમૃદ્ધિ (ધન-મકાન વગેરે) મળે,તેના માટે ભક્તિ કરવી –એ ભક્તિ નો હેતુ ન હોવો જોઈએ.કારણ કે આવા દુન્યવી સુખો ક્ષણિક (નાશવંત) છે,આવે છે ને જાય છે.
પણ ભક્તિ નું ફળ અ-મૃત (ના મરે તેવો-નિત્ય-) આનંદ છે.તે આનંદ ક્ષણિક નથી.
મનુષ્ય ધન મેળવવા દુઃખો વેઠી ને જેટલો પ્રયત્ન કરે છે, એટલો પ્રયત્ન જો,
પ્રભુ પ્રાપ્તિ માટે કરવામાં આવે તો તેનો બેડો પાર થઇ જાય.
પરમાત્મા ને “મન” આપવાનું છે,ધન (લક્ષ્મી) નહિ.પરમાત્મા ધન થી મળતા નથી.
પ્રભુ ને ધન ની જરૂર નથી, લક્ષ્મી ના પતિ ને ધન ની શું જરૂર?
પણ આ જગતના વ્યાપારમાં આપવાની (મન આપવાની) વાત તો બાજુએ રહી,
પણ જગતમાં સર્વ ને ધન (લક્ષ્મી) જોઈએ છે.લક્ષ્મી-પતિ (ઈશ્વર) કોઈને જોઈતા નથી.
લક્ષ્મીજી, પતિ ને છોડીને આવે નહિ,પતિ વિના એ કોઈના પર પણ પ્રસન્ન થાય નહિ.
શ્રીકૃષ્ણ-શ્રીરામ માં જે “શ્રી” આવે છે તે લક્ષ્મીજી-રાધાજી-સીતાજી છે.
શ્રી એટલે સૌભાગ્ય (સારું ભાગ્ય-નસીબ), શ્રી એટલે શક્તિ.
સર્વ જગતનું સૌભાગ્ય અને શક્તિ એ નારાયણ (શ્રીરામ) ને વરેલી છે (અર્પણ થઇ છે)
મનુષ્ય જો પોતાની ક્રિયા-શક્તિ (બુદ્ધિ શક્તિ) અને મન પરમાત્મા શ્રી રામ ને સમર્પિત કરે,
અને પરમાત્મા (બુદ્ધિમાં) જેમ સુઝાડે તેમ કરે, તો તેની બધી જવાબદારી પરમાત્મા લઇ લે છે.
ગીતામાં જે લખ્યું છે કે-યોગ-ક્ષેમ વહામ્યહમ. તે આ વસ્તુ છે.
જેમ નાનાં બાળકો બગીચામાં બનાવેલી લપસણી પર લપસી ને નીચે આવે છે,અને આનંદ પામે છે,
તેમ,આ જગત એ પાપની લપસણી છે,તેના ઉપર બેસતાની સાથે મનુષ્ય વેગ થી લપસી જાય છે,
તેને ક્ષણિક સુખ મળે છે.
પણ જગતની આ લપસણી નાની નથી,(બગીચા માં આવેલ બાળકો ની લપસણી ની જેમ) એટલે
જેમ વખત (સમય) થાય તેમ વધારે અને વધારે વેગ થી લપસી મનુષ્ય કોઈ ખાડામાં જઈ પડે છે.
આ રીતે પાપ (ઈશ્વર થી વિમુખ થવા) ની લપસણી પર લપસી ને ઈશ્વર થી વિમુખ થવાનું સહેલું છે,
પણ પુણ્ય (ઈશ્વર ની જોડે જવાનું) એ ચઢાણ છે,અને એ ચઢાણ પુરુષાર્થ (શક્તિ) માગે છે,માટે અઘરું છે.
ઈશ્વરે મનુષ્યને લપસવા (પોતાના થી વિમુખ જવા) માટે નહિ,
પણ ચઢવા માટે (પોતાની પાસે આવવા માટે) પેદા કર્યા છે.
પણ અહીં સ્થિતિ જુઓ, તો પાપની લપસણી પર લપસી ને મનુષ્ય ઈશ્વર થી વિમુખ થઇ રહ્યો છે.
ઈશ્વરે મનુષ્ય ને આપેલ જીવન માં મૃત્યુ નિશ્ચિત છે,સાત વારમાં થી કોઈ પણ વારે તે આવે જ છે.
તેને કોઈ ખાળી (અટકાવી) શકતું નથી.
પણ તેની બીક ને ખાળી શકાય છે,અને તેને ટાળી પણ શકાય છે. અને
તેનું (કળિયુગ માં) સાધન છે –પ્રભુ નું –“નામ” -રામનામ.