=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-09

રામાયણ-રહસ્ય-09

ઈશ્વર નું “નામ” (રામ-નામ) એ મૃત્યુ ની –મૃત્યુ ના બીક ની દવા (ઔષધિ) છે.મૃત્યુ-રૂપી મહારોગ ની “રામ-બાણ” દવા (ઔષધિ-ઉપચાર) તે “રામ-નામ”

લોકો મૃત્યુ ને અમંગળ માને છે પણ મૃત્યુ અમંગળ નથી,મૃત્યુ ને અમંગળ આપણે કલ્પ્યું છે,અને તે કલ્પના કરનારું આપણું મન છે.
અને આપણું મન શુદ્ધ નથી,તેથી તે મૃત્યુ થી બીએ છે..

મૃત્યુ એ તો પરમાત્માનો સેવક છે.પરમાત્મા મંગળમય છે એટલે તે મૃત્યુ પણ મંગળમય છે.
જેને પાપ નો વિચાર પણ આવતો નથી,અને જેને પાપ કર્યું નથી,તેને બીક નથી,તેનું મૃત્યુ મંગળમય છે.

મૃત્યુ એ પ્રભુ નો કાસદ (પટાવાળો-સેવક) છે.મનુષ્ય ના જન્મ સાથે જ પ્રભુનો આ કાસદ પ્રભુ ની ચિઠ્ઠી,
(સમન) લઇ ને રવાના થઇ જ ગયેલો છે અને ક્યાંક છુપાઈ ને એ મનુષ્ય ના ખેલ જોયા કરે છે,
અને પ્રભુ નો “સમન” બજાવવા, નિર્ધારેલી પળ ની રાહ જોઈ રહ્યો છે.
જેવો સમય આવે એટલે મનુષ્ય ને બોચીમાંથી પકડી ને કહે છે કે-“બચ્ચુ હવે ચાલો”

મનુષ્ય ને મૃત્યુ ની બીક લાગે છે,કારણકે પાપ કરતી વખતે તે ડરતો નથી,પણ તે પાપ ની સજા ભોગવવાનો સમય આવે ત્યારે તે ડરે છે. અંતકાળે મનુષ્ય ને મૃત્યુ ની ગભરામણ થાય છે,
એ ગભરામણ સાચે તો કાળ (મૃત્યુ) ની નથી,પણ તેણે કરેલા પાપની ગભરામણ છે.
સામાન્ય વ્યવહાર માં,નોકરીમાં લોકો ઉપરી અધિકારી કે સરકાર ની બીક રાખે છે,
પણ, એટલી પણ બીક તે ઈશ્વર ની રાખતા નથી.પરિણામે તે દુઃખી થાય છે.

રામ-નામ મનુષ્ય ને નિર્ભય બનાવે છે.પ્રભુ ના નામનો આશ્રય એ મોટો આધાર છે.
લોકો યાત્રામાં  નીકળે અને ખિસ્સામાં થોડું નાણું હોય તો તેમને  હિંમત રહે છે.તેમ,
જો રામ-નામ નું નાણું ખિસ્સામાં (મનમાં) હોય તો સંસાર ની યાત્રામાં કેટલી રાહત રહે?

તુલસીદાસજી કહે છે કે –ભય બિન પ્રીતિ નાહિ.
મરણ ની ભીતિ (ભય) થી પ્રભુમાં પ્રીતિ થાય છે.મનુષ્ય જો કાયમ ભીતિ રાખે તો તે સદાચાર ને માર્ગે
ચાલે છે,પાપથી દૂર રહે છે. અને પ્રભુ ના નામ નો આશ્રય લઇ ને પુણ્ય નો સંચય કરે છે.
ભક્તિમય અને પ્રેમમય જીવન જે ગાળે,તે કાળ (મૃત્યુ) પર વિજય પ્રાપ્ત કરે છે.

રામનું નામ તે આમ કાળ-નાશક છે અને સાથેસાથ કામ-નાશક પણ છે.
કામ ને મારે તે રાવણ ને (વાસના ને-મોહ ને) મારી શકે.
ઈશ્વર સાથે પ્રેમ કર્યા સિવાય અને ઈશ્વરની કૃપા ના થાય ત્યાં સુધી કામ-ક્રોધ જતા નથી.

ભાગવતમાં વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે કે-ધ્રુવજી મૃત્યુ ના માથા પર પગ મૂકી ને વૈકુંઠ ધામ ગયા છે.
ભક્ત ની આ બલિહારી છે.ભક્ત કદી મૃત્યુ થી બીતો નથી,
પણ લોકો વ્યવહારમાં જેમ લગ્ન ની તૈયારી કરે છે,તેમ તે મૃત્યુ ની તૈયારી કરે છે.
મૃત્યુ નો દિવસ એટલે પરમાત્મા ને આ જન્મનો હિસાબ આપવાનો દિવસ.એ દિવસ પવિત્ર છે.
ભગવાન તે દિવસે પૂછશે કે-મેં તને આંખ આપી હતી તેનો તેં કેવો ઉપયોગ કર્યો?
જીભ –કાન-હાથપગ  આપ્યા હતા તેનું તેં શું કર્યું?તેનો કેવો ઉપયોગ કર્યો?

કબીર કહે છે કે-રામ-ઝરુખે બૈઠ કે સબકા મુજરા લેત,જૈસી જિનકી ચાકરી વૈસા ઉનકો દેત.
રામજી ઝરૂખામાં બેઠા છે અને જેમ રાજા તેના ચાકરો પાસે તેમની ચાકરી નો હિસાબ માંગે અને
તેમને સોંપેલી ચાકરી તેઓએ કરી કે નહિ તે જોવા માગે છે,
તેમ પ્રભુ,મનુષ્ય પાસે તેમણે કરેલી,અને તેમને સોંપેલી ચાકરી નો હિસાબ માગે છે.
અને જેવી ચાકરી કરી હોય તે પ્રમાણે તેમને આપે છે.

પ્રભુ ને આપવાના જિંદગી ના આ હિસાબ માં ગરબડ હોય તો મનુષ્ય ને ગભરામણ થવાની જ.
વ્યવહારમાં ઇન્કમટેક્ષ ઓફિસર ને એક વર્ષ નો હિસાબ આપવાનો હોય તો હિસાબમાં ગોટાળા વાળા ને
ગભરામણ થાય છે તો આખી જિંદગી નો જયારે હિસાબ આપવાનો આવે ત્યારે શું દશા થાય?
મૃત્યુ આવી ને ઉભું રહે ત્યારે મનુષ્ય આવી જ કંઈક લાચાર હાલત અનુભવે છે.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE