=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-11

રામાયણ-રહસ્ય-11

રામજી મર્યાદા પુરુષોત્તમ છે.અને રામાયણ એ મર્યાદા સંહિતા છે.
રામજી એ પૃથ્વી પર પ્રગટ થઇને મનુષ્યો ને મર્યાદાઓ નું દર્શન કરાવ્યું છે.
મનુષ્ય ગમે તે  સંપ્રદાય માં માનતો હોય કે ,કોઈ પણ દેવ –દેવી કે ભગવાન માં માનતો હોય,પણ રામજી ના જેવી મર્યાદાનું પાલન,કે રામજી ના જેવું વર્તન ના રાખે ત્યાં સુધી,ભક્તિ સફળ થતી નથી,ભક્તિ નો આનંદ મળતો નથી.બાકી તો મનુષ્ય ને થોડી સંપત્તિ,યશ, અધિકાર મળે એટલે મર્યાદા ભૂલી જાય છે.

રામજી નું ચરિત્ર એવું પવિત્ર છે કે તેમના “નામ” નું સ્મરણ કરતાં મનુષ્ય પવિત્ર થઇ જાય છે.વર્તન રાવણ જેવું નહિ પણ રામજી ના જેવું રાખવામાં આવે,અને રામ-નામ નો જપ કરવામાં આવે તો,તાળવા માંથી અમૃત ઝરે છે.

શ્રી રામ નો અવતાર રાક્ષસોનો ના સંહાર માટે થયો નથી,
પણ મનુષ્યો ને ઉચ્ચ આદર્શો બતાવવા માટે થયો છે.રામજી સર્વ સદગુણો નો ભંડાર છે.
પોતે પરમાત્મા હોવા છતાં તેઓ સામાન્ય  જીવન ની બધી મર્યાદાઓનું બરાબર પાલન કરે છે.
એટલે જ વાલ્મીકિ ને શ્રીરામની સાથે સરખાવવા જેવું કંઈ જડતું નથી.
તેમણે ખૂબ વિચાર કર્યો કે રામ ને કોની સાથે સરખાવું? રામને શી ઉપમા આપું?
પણ કોઈ ઉપમા જડી નહિ.ત્યારે કહે છે કે-“રામના જેવા જ રામ છે.”
રામ-રાવણ નું યુદ્ધ પણ મર્યાદાઓના પાલન સાથે નું એવું નીતિ-શુદ્ધ છે,કે વાલ્મીકિજી કહે છે કે-
રામ-રાવણ નું યુદ્ધ તો રામ-રાવણ ના યુદ્ધ જેવું જ છે.

રામજી નું સંપૂર્ણ જીવન અનુકરણ કરવા માટે છે.કૃષ્ણ જીવન અનુકરણ માટે નથી.
કૃષ્ણ જીવન તેમની લીલા ઓ નું સ્મરણ કરી તન્મય થવા માટે છે.
ગોકુલ-લીલા માં પુષ્ટિ છે.રામ-લીલામાં મર્યાદા છે,
રામજી ની અમુક લીલા અનુકરણીય અને અમુક લીલા ચિંતનીય છે-એવું નથી.
રામજી નું સમગ્ર વર્તન અનુકરણીય છે. શ્રીરામ માં સર્વ એકે એક સર્વ -સદગુણો ભરેલા છે.

આજકાલ મનુષ્ય એક બાજુ થી પુણ્ય કરે છે અને બીજી બાજુ પાપ કરવાનું ચાલુ રાખે છે
સરવાળે કંઈ હાથમાં આવતું નથી,રામજી સ્થિર-દૃઢ-સમ-ભાવ રાખવાનું કહે છે.
શ્રીરામ સદા માત-પિતાની આજ્ઞા માં રહેતા,સદા માતા-પિતા,ગુરૂ,વડીલો ને પ્રણામ કરતા.
પ્રત્યેક સ્ત્રીમાં રામજી માતૃભાવ રાખે છે.
આજકાલ તો છોકરાઓને બાપ ની મિલકત લેતાં સંકોચ-શરમ આવતી નથી,પણ
બાપ ને વંદન કરતાં શરમ આવે છે.

રઘુનાથજી ની ઉદારતા,તેમની દીન-વત્સલતા નો જગતમાં જોટો જડે તેમ નથી.
રામ જેવા રાજા થયા નથી અને થવાના નથી.તેથી મહાત્માઓ રામ-ચરિત્ર ને અલૌકિક અને દિવ્ય કહે છે.
રામજી મહાન પિતૃભક્ત છે.તેમનું વચન રાખવા રાજપાટ મૂકી ને ને વન માં ગયા,તેમણે પિતાના વ્યક્તિત્વ નું બધું માન્ય કર્યું પણ એક વસ્તુ તેમણે પિતાની જેવી નથી સ્વીકારી-અને તે તે -પિતાનું બહુ-પત્નીત્વ.
મુખ થી નહિ પણ આચરણ થી તેમણે એ બતાવ્યું છે.મુખ થી બોલે તો પિતાનું અપમાન થાય.
એટલે પૂર્ણ શુદ્ધ આચરણ કરી પોતાનું અજોડ એકપત્ની-વ્રત અને પિતૃભક્તિ બતાવી છે.

વાલ્મિકીજી એ રામાયણ-કાવ્ય લખ્યું તેમાં ઇતિહાસ મુખ્ય છે.
તુલસીદાસજી એ રામચરિત-માનસ કાવ્ય લખ્યું તેમાં ભાવ મુખ્ય છે.
ઇતિહાસ મનુષ્ય ના જ્ઞાન ની વૃદ્ધિ કરી શકે પણ અંતઃકરણ ને સંતોષ અને શાંતિ આપી શકતો નથી.
શાંતિ નો અનુભવ માત્ર ભાવ-દૃષ્ટિ થી જ થઇ શકે. એ કામ તુલસીદાસજી એ પુરુ કર્યું છે.
વાલ્મીકિ અવતાર માં અધૂરું રહેલું કાર્ય તેમણે તુલસીદાસજી રૂપે પુરુ કર્યું છે.
આમ વાલ્મિકીજી એક રૂપે અને તુલસીદાસજી બીજી રૂપે શ્રીરામ ને જુએ છે.
તેથી તેમની કથામાં સ્વાભાવિક રીતે થોડું અંતર દેખાય છે.
પણ હરિ અનંત રૂપ છે તો તેમની કથા એક રૂપ માં જ કેવી રીતે હોઈ શકે?
“હરિ અનંત હરિકથા અનંતા,કહ્હિં સુનહિં બહુ વિધિ સબ સંતા”
હરિ કથા કહેવામાં અને સાંભળવામાં પણ અનંત છે.

ઉપનિષદ માં પણ આવે છે કે-એકં સત્ વિપ્રા બહુધા વદન્તિ”
(સત્ય એક પણ વિપ્રો તેનું અનેક રીતે વર્ણન કરે છે)  એવું જ હરિકથા નું છે.
જેવો જેનો ભાવ તેવું હરિકથાનું સ્વ-રૂપ.

PREVIOUS PAGE        INDEX PAGE         NEXT PAGE