=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-17

રામાયણ-રહસ્ય-17

ભાગવતમાં પ્રહલાદજી એ બતાવ્યું છે કે-માતા-પિતા રામનામ ની મનાઈ કરે તો એમની આજ્ઞાનો પણ સવિનય ભંગ કરવો.મીરાંબાઈ ને ચિત્તોડ નું રાજકુટુંબ ભગવાન ભજન કરવામાં અનેક રીતે પીડતું હતું. મીરાબાઈએ પત્ર લખી ને તુલસીદાસજી ની સલાહ માગી,ત્યારે તુલસીદાસજી એ કહ્યું કે-સીતા-રામ ની ભક્તિ ખાતર ગમે તેવાં સગાં-વહાલાં નો પણ ત્યાગ કરવો.
“ જાકે પ્રિય ન રામ બૈદેહી તજીએ તાહિ બૈરી સમ,જદ્યપિ પરમ સનેહી.”
મીરાબાઈએ તે સલાહ નો અમલ કર્યો તો તેમણે રામ-રતન ધન ની પ્રાપ્તિ થઇ.અને ગાયું કે-“પાયોજી મૈને રામ રતન ધન પાયો”

એવું નથી કે ભક્તિ માત્ર મંદિર માં જ થઇ શકે.ભક્તિ સર્વત્ર થઇ શકે છે.
ઈશ્વરથી વિભક્ત (જુદો) ના થાય તે ભક્ત.સદા સર્વદા પરમાત્મા ના “નામ” થી જુદો ના થાય તે ભક્ત.
જપ એ પુરુષાર્થ નું પ્રતિક છે.”મારું તન-મન પ્રભુ ને સમર્પી દઉં છું”
એવી અનન્ય ભાવ ની ભક્તિ એ માનવી નો પરમ પુરુષાર્થ છે.
સમર્થ રામદાસજી મહારાજે બાર વર્ષ ગોદાવરીમાં ઉભા રહી ને રામ-નામ નો જપ કર્યો હતો,ને તેમને
મંત્ર-સિદ્ધિ પ્રાપ્ત થઇ હતી.જયારે આપણે તો એકાદ માળા ફેરવી ફળ લેવા અધીરા થઇ જઈએ છીએ.

મનુષ્ય-દેહ એ એક ટ્રસ્ટ જેવો છે.અને એ ટ્રસ્ટ નો હેતુ પરમાત્મા નો સાક્ષાત્કાર કરવાનો છે.
દેહને ખવડાવો,પીવડાવો, રમાડો,જાત્રા કરાવો,ઉપદેશ કે પુસ્તકો વાંચો-કે એવું બધું ગમે તે કરો,
પણ વિચારવા નું છે કે ટ્રસ્ટ નો હેતુ પાર પડ્યો છે કે નહિ.
ઈશ્વર જવાબ માગશે-કે આ શરીર ધારણ કરી કેવળ અહંકાર ને આસક્તિ વધાર્યા કે કશું સાધન કર્યું?
સંતો કહે છે કે-આનો જવાબ તમારી પાસે ના હોય તો,રામ-કથા નું શ્રવણ કરો,વાંચન કરો,મનન કરો.
રામ-કથા તમને તમારા જીવન નો અને ઈશ્વરે સોંપેલા ટ્રસ્ટ નો હેતુ સ્પષ્ટ સમજાવશે.

પણ મનુષ્ય નું અભિમાન આમાં આડું આવે છે.અને અભિમાન દૂર કરવા નો રસ્તો ભક્તિ છે.
તુલસીદાસજી રામ-નામ નો મહિમા ગાતાં કદી ધરાતા નથી.
જેવી તેમની રામ-ભક્તિ છે તેવી જ તેમની અપૂર્વ દીનતા છે.તે કહે છે કે-
રામનામ માં સ્નેહ થવો એ પૂર્વજન્મો ના પુણ્ય નું ફળ છે.મારાં પાપ એવાં છે કે,મારાં પાપ સાંભળી નરક પણ નાકનું ટેરવું ચઢાવે છે,પણ શ્રી રામ મારા જેવા પર પણ પરમ કૃપા કરે છે.
તુલસીદાસજી નો આ વિનય છે.

રામ શબ્દ માં “ર-અ-મ” એમ ત્રણ અક્ષરો છે.
“ર” એ અગ્નિનું.”અ” એ સૂર્ય નું અને “મ” એ ચંદ્ર નું બીજ છે. આ ત્રણે મોહ-રૂપી અંધકાર નો નાશ કરે છે.
“ર” કાર બ્રહ્મામય,”અ”કાર વિષ્ણુમય અને  ”મ”કાર એ શિવમય છે.
એવીજ રીતે  કાર માં પણ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ નું સ્વરૂપ છે.એટલે રામ-નામ  કાર સમાન છે.

તુલસીદાસજી કહે છે કે-શરીર ની અંતર-બાહ્ય શુદ્ધિ જોઈતી હોય તો,જીભે થી રામનું “નામ” લો.
રામ-નામ તો દીપક સમાન છે,જીભ ના ઉંબરા પર તે દીપક સ્થિર કરશો તો,
આખા ઘરમાં,અંતરમાં ને જીવન માં અજવાળું થઇ જશે.

શ્રીરામે એક અહલ્યા ને તારી,પણ રામ-નામે તો લાખો-કરોડો સ્ત્રીઓ નો ઉદ્ધાર કર્યો છે.
શ્રીરામે તો શિવજી નું એક ધનુષ્ય તોડ્યું,પણ રામનામ તો ભવના ભય ને ભાગી નાખે છે.
શ્રી રામે તો એક દંડકારણ્ય ને શોભાવ્યું,પણ રામનામતો કરોડો મનુષ્ય ના મન માં નિવાસ કરી તેને પાવન કરે છે.શ્રીરામે રાક્ષસો ના દલ નો સંહાર કર્યો,પણ રામનામતો કળિયુગ ના અનેક ક્લેશોનું નિકંદન કાઢે છે.

શ્રી રામે તો સુગ્રીવ અને વિભીષણ એ બે જ ને આશ્રય આપ્યો પણ રામનામે અસંખ્ય શરણાગતો ને
આશ્રય આપ્યો છે.શ્રીરામે તો રીંછો અને વાનરો ની મદદ લઇ ને અતિ મહેનત કરી સમુદ્ર પર પુલ બાંધ્યો,
પણ રામનામ લેતા વિશાળ સમુદ્ર આખો ને આખો સુકાઈ જાય છે,એના પર પુલ બાંધવાની જરૂર રહેતી નથી,અને સુકાઈ ગયેલા ભવસાગર ને પાર કરવાનું આસાન છે.
આમ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ રામ કરતાં પણ રામ-નામ મોટું છે.

PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE