=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-રહસ્ય-18

રામાયણ-રહસ્ય-18

કળિયુગમાં રામ નું નામ કલ્પવૃક્ષ જેવું છે.તે કલ્પવૃક્ષ ની છાયા માં વાલિયો લુંટારો વાલ્મીકિ બની ગયો અને તુચ્છ તુલસીદાસ તુલસી જેવા પવિત્ર બની ગયા..
કળિયુગમાં રામ નામ ઈચ્છિત ફળ આપે છે,તેથી તેને કલ્પતરુ પણ કહ્યું છે.કળિયુગ માં ભક્તિ નથી,જ્ઞાન નથી પણ કેવળ રામનામ જ મનુષ્ય નો સહારો છે.જ્ઞાન અને વૈરાગ્ય બધું રામનામ માં થી જ મળી આવે છે તે જ ગુરૂ અને તે જ તારણહાર છે.

શિવજી કહે છે કે-જ્યાં જ્યાં રામકથા થાય છે ત્યાં હનુમાનજી તે સાંભળવા હાજર રહે છે,રામરક્ષા સ્તોત્ર માં ભક્ત રામજીનું શરણું સ્વીકારે છે સાથે સાથે હનુમાનજી નું પણ શરણું માગે છે.

હનુમાન જી ને મન ના જેવા વેગવાળા,જીતેન્દ્રિય અને બુદ્ધિમાનો માં વરિષ્ઠ કહ્યા છે.તેમને રામદૂત કહી ને ભક્તો તેનું શરણ લે છે.રામદૂત ને શરણે ગયા એટલે રામ સુધી પહોંચાડવાની જવાબદારી રામદૂત ની.રામનામ લેનાર ની રક્ષા નો ભાર હનુમાનજી ના માથે છે.
મનોજવં મારુતતુલ્ય વેગં,જીતેન્દ્રીયમ બુધ્ધિમતાં વરિષ્ઠમ,
વાતાત્મજં વાનરયુથ મુખ્યમ,શ્રીરામ દુત્તમ શરણંપ્રપદ્યે.

બ્રહ્માજી એ વાલ્મીકીજી ને વચન આપ્યું છે કે-જ્યાં સુધી પૃથ્વી પર નદીઓ અને પહાડો રહે શે ત્યાં સુધી તમારી રચેલી રામકથા લોકો માં પ્રચાર પામશે.
તુલસીદાસજી રામકથા ને તરી ના શકાય તેવી નદી પર ના મોટા પુલ જોડે સરખાવે છે.
નદી પર પુલ ના હોય તો નદી પાર ના કરી શકાય,
પણ પુલ હોય તો એક નાની કીડી પણ નદી પાર કરી ને સામે કિનારે પહોંચી જાય છે.

રામકથા સર્વે પાપો ને હરનારી છે.કળિયુગ ની કામધેનું છે,સંજીવની છે,અમૃત ની કુપી છે,
ગંગાજી-જમુનાજી છે,ચિત્ત છે ,ચિત્રકૂટ છે,ચિંતામણી છે,મંગળ કરનારી છે,મુક્તિ આપનારી છે,
ભયંકર રોગો નો નાશ કરનારી છે,કામ,ક્રોધ,લોભ,મોહ ને હણનારી છે,વિષયોરુપી ઝેર ઉતારનાર મહામણિ છે,લલાટ માં લખેલા કઠિન લેખો ને ભૂંસનાર ઔષધિ છે,અને અંધકાર ને હણનાર રવિ (સૂર્ય) છે.

શિવજી સતત રામનામ જપે છે.પાર્વતીજી એનાં સાક્ષી છે.
એકવાર પાર્વતી જી એ પૂછ્યું કે-આપ રાત અને દિવસ રામ-રામ જપો છો,એ રામ શું અયોધ્યા ના રાજા દશરથ ના પુત્ર છે કે પછી અજન્મા,નિર્ગુણ અને અગોચર બીજા કોઈ રામ છે ?
અને રામ જો બ્રહ્મ જ હોય તો સીતાજી ના વિરહમાં સામાન્ય માનવી ની જેમ આવા વિહ્વળ કેમ બની ગયા?
કૃપા કરી મારા મન ની આ ગૂંચ આપ ઉકેલો.

રામનું નામ પડતાં જ શિવજી ગદગદ થઇ જાય છે.એમની આંખોમાં થી પ્રેમાશ્રુ ઝરે છે.
થોડી વાર ધ્યાનમગ્ન રહી ને તેમણે રામજી ની સ્તુતિ થી શરૂઆત કરી કહ્યું કે-
જેમ,જાણ્યા વિના દોરીમાં સર્પ નો ભ્રમ થાય છે,જેમ જાણ્યા વિના અસત્ય પણ સત્ય જણાય છે,
જેમ જાગ્યા પછી સ્વપ્ન નો ભ્રમ જતો રહે છે,
તેમ,જેને જાણ્યા પછી સર્વ જગતનો લોપ થઇ જાય છે તેવા શ્રીરામચંદ્રજી  ને હું વંદન કરું છું.
જેમનું નામ જપતા સર્વ સિદ્ધિઓ સુલભ થાય છે તે મંગલ નામ ના ધામરૂપ અને અમંગળ  ને દૂર કરનારા,શ્રી દશરથ ના આંગણા માં ખેલનારા,બાળસ્વરૂપ શ્રીરામચંદ્રજી મારા પર કૃપા કરો.

આમ રામજી ની સ્તુતિ-યશ ગાઈ અને તેમની પ્રાર્થના કરી,તેમની કૃપા ની યાચના કરી
શિવજી પાર્વતીજી ને કહે છે કે-હે પાર્વતી જી,રામકથા એવી દિવ્ય છે કે,એના શ્રવણ થી સ્વપ્ને પણ માણસ ને શોક,મોહ કે સંદેહ ના થાય.ભગવાને કાન દીધા છે,તે રામકથા સાંભળવા,પ્રભુએ આંખ દીધી છે તે
રામજી ના દર્શન કરવા,પ્રભુ એ મસ્તક દીધું છે તે હરિના ચરણ માં નમવા,અને પ્રભુએ હૃદય દીધું છે તે 
રામજી ની ભક્તિ માં સમર્પિત કરવા.અને પ્રભુએ જીભ દીધી છે તે રામનું નામ બોલવા.
પ્રભુએ દીધેલ ઇન્દ્રિયો નો સદુપયોગ ના કરે તે મનુષ્ય નથી પણ પશુ છે.
PREVIOUS PAGE         INDEX PAGE        NEXT PAGE