=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: સુદામા-કૃષ્ણ મિલન

સુદામા-કૃષ્ણ મિલન

સુદામા,પોતાનામાં દ્રષ્ટિવાળો અયાચક બ્રાહ્મણ હતો. તેની પત્ની પણ એવી જ સુશીલ પતિવ્રતા હતી.સુદામા જે મળે તેમાં જીવન નિર્વાહ કરતો હતો.પણ બાર સાંધે ત્યાં તેર તૂટે એવી દશામાં જીવતો કૃષ્ણ કૃષ્ણ ,ગોવિંદ ગોવિંદ રટતો રહેતો હતો.કૃષ્ણ અને સુદામા સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણતા સહાધ્યાયી મિત્રો હતા.એકવાર તેની પત્નીએ ખૂબ ગરીબીથી તંગ આવી બાળકોને પણ પૂરતું ખાવાનું ન મળવાથી સુદામાને કહ્યું કે-હે નાથ ! કૃષ્ણ તો તમારા મિત્ર છે અને વળી અત્યારે દ્વારકામાં જ છે.તેમને ત્યાં જઈ એક વાર તો તેમને મળો.

બે-ત્રણ વાર સુદામાને તેમનાં પત્નીએ આમ કહ્યું એટલે સુદામાને થયું કે દ્વારકા જઈશ તો પ્રભુના દર્શન તો થશે. ઘણા વખતે હું મારાં

એ પ્રભુનાં દર્શન કરી જીવતર ધન્ય કરીશ ,આમ વિચારી પત્ની ને કહ્યું કે હું એનાથી મોટો છું,એના ઘરે જાઉં તો મારે કશુક ભેટ લઇ

જવું જોઈએ ઘરમાં કંઈ હોય તો મને આપો.દરિદ્રતાથી પીડાતા આ બ્રાહ્મણના ઘરમાં આપવા માટે કંઈ પણ હતું નહિ તેની પત્નીએ થોડાક તાંદુલ ચાર મુઠી માગી લાવી પોટલી બાંધીને આપ્યા. તે લઇ ભૂખથી કૃશ થઇ ગયેલા શરીરવાળો, મેલી ફાટેલી-તૂટેલી એક પોતડી પહેરી લાકડીને ટેકે ચાલતો ગોવિદ,હરે કૃષ્ણ પોકારતો દ્વારકા નગરી તરફ ચાલ્યો જાય છે.ચાલતાં ચાલતાં બપોર થઇ જતા ખૂબ થાકી જવાથી એક ઝાડ નીચે થોડી વાર આરામ કરી લઉં એમ વિચારી લાંબો થાય છે અને થાકથી નિંદ્રા આવી જાય છે.બીજી બાજુ સકળ વિશ્વનો નાથ, પ્રાણીમાત્રનો આત્મા, એવા પ્રભુ શ્રીકૃષ્ણ સુદામાના થાકથી પોતે પીડાયા અને ભક્તના બેલી શ્યામ શ્રીકૃષ્ણે સુદામા નિદ્રામાં છે તેને પોતાની યોગમાયાથી ઉપાડી સીધો દ્વારકા નગરીથી થોડે જ દૂર એક ઝાડ નીચે લાવી મૂકી દીધો,

જ્યાંથી દ્વારકાના દરવાજા દૂરથી દેખાતા હતા.


સુદામા નિંદ્રામાંથી જાગે છે ત્યારે એને તો એમ જ ભાસે છે કે પોતે ચાલીને દ્વારકા પહોંચી ગયો છે,ભગવાનની લીલા અપાર છે, સુદામા કેટલાક બ્રાહ્મણો સાથે ટોળામાં દ્વારકાના દરવાજા સુધી પહૌચી જાય છે ત્યાં આવા મેલાઘેલા દૂબળા કૃશ થઇ ગયેલા આ બ્રાહ્મણને દરવાનો અટકાવે છે, પૂછે છે કે ક્યાં જવું છે,ત્યારે સુદામા કહે છે કે મારે મારાં સખા કૃષ્ણને મળવા જવું છે. આ સાંભળી દરવાનો ખુબ હસે છે અને કહે છે ના જોઈ હોય મોટી કૃષ્ણની સખાવાળી,ચાલ અહીંથી ચાલ્યો જા કહી ધક્કો મારે છે, સુદામા હરે કૃષ્ણ હરે મારા નાથ ! ઓ સખા ! કહેતા નીચે પડી જાય છે 

અને વિચારે છે કે -આટલે પહોંચ્યા પછી મને મારો સખા મળશે કે નહિ! એવામાં મુખ્ય દરવાનની નજર સુદામા અને પેલા દરવાનો ઉપર પડે છે અને તે મુખ્ય દરવાન ત્યાં આવી પેલા દરવાનો ને વિગત પૂછે છે પછી સુદામાને કહે છે કે તું ક્યાંથી આવે છે અને તારું નામ શું છે?

 સુદામા કહે છે કે હું પોરબંદરનો બ્રાહ્મણ કૃષ્ણનો સખા છું મારું નામ સુદામા છે, કોઈ જઈને કૃષ્ણે આટલું કહો ,

પછી ના પાડે તો મને ન જવા દેતા પણ મારાં ઉપર આટલી કૃપા કરો.


આમ સાંભળી મુખ્ય દરવાનને દયા આવી અને પોતે શ્રીકૃષ્ણ પરમાત્મા રુકિમણીના મહેલમાં બિરાજમાન હતા,ત્યાં જાય છે તેને જોઇને,રુકિમણી સાથે પલંગ પર બેઠેલા શ્રીકૃષ્ણ દરવાનને પૂછે છે બોલો કેમ આવવું થયું ,દરવાન કહે છે કે પ્રભુ પોરબંદરથી એક બ્રાહ્મણ દારિદ્રય થી ભરપૂર મેલાં ફાટેલી પોતડીવાળો આપને મળવા માગે છે અને તમારો સખા હોવાનું કહે છે ભગવાન થોડા ચમકે છે અને પૂછે છે કે એનું નામ શું છે દરવાન કહે છે એનું નામ સુદામો એવું કહે છે.આમ કહેતાં કહેતાં ભગવાને જ્યાં સુદામાના મો સાંભળ્યો અને છલાંગ મારી પલંગમાંથી ઉભા થઈ ઓ સુદામા ! ઓ સુદામા ! કરતા દોડ્યા છે,રાણીઓ અને દાસીઓ સહિત નોકર ચાકર અચરજ પામ્યા છે ભગવાન ઉગાડા પગે દોડતા જાય છે અને સુદામાના નામનો પોકાર કરે છે દરવાજે જઈ સુદામાને ભેટી પડે છે બંનેની આંખોમાંથી અશ્રુધારાઓ વહે છે .ત્યાર પછી કૃષ્ણ બૂમો પાડીને ઉભા રસ્તે બોલતા જાય છે કે ઓ સત્યભામા ! ઓ રુકિમણી ! સોનાના થાળ લાવો


અરે કોઈ ગોમતીના નીર લાવો મારો સુદામો આવ્યો છે આમ હરખધેલા થઇ સુદામાને પોતાના મહેલમાં તેડી જાય છે અને પોતાના

પલંગ પર બેસાડી સોનાના થાળમાં પગ મૂકવી ત્રણે લોકનો નાથ પોતે સુદામાના પગ ધોવે છે અને રુકિમણી સુદામાના પગ પર

પાણીની ધાર કરે છે. પગ ધોતા ધોતા ભગવાન સુદામાને ગુરુકૂળના પ્રસંગો યાદ કરાવે છે.

આપણે ભણતા ગુરુકુળ માંય તને સાંભરે રે,આપણે સૂતાં બંને પાસ મને કેમ વિસરે રે.

પરોઢિયે વહેલા ઉઠતા સાથે તને સાંભરે રે,ઉઠી કરતા વેદનો પાઠ મને કેમ વિસરે રે.

ગોરાણીએ લેવા મોકલ્યા કાષ્ટ તને સાંભરે રે,અરે વરસ્યા બારે મેઘ મને કેમ વિસરે રે.


આમ ગુરુકુળના પ્રસંગો યાદ કરતા કરતા ભગવાન સુદામાના પગ ધોયા બાદ સ્નાન કરાવી ચંદન લેપન કરી નવાં રેશમી વસ્ત્રો

પહેરાવે છે, જમાડે છે સુદામા પેલી તાંદુલની પોટલીને સંતાડવાનો પ્રયત્ન કરે છે પણ હરિ પૂછે છે કે ભાભીએ મારે માટે શું મોકલ્યું છે

એમ કહી પોટલી ઝુંટવી છોડી બત્રીસ ભોજન જમનારો નાથ બે હાથે સુદામાના તાંદુલ આરોગે છે, ત્યારે રુકિમણી બોલી પડેછે કે

બસ થોડા મારે માટે તો રાખો ! આમ કેટલાક દિવસ બાદ સુદામાનું મન ઘેર જાય છે પત્ની અને બાળકો યાદ આવે છે અને વિચારે છે કે -

હું અહીં મજા કરું છું અને મારાં ઘર ના શા હાલ હશે ?


બધાના મનની વાત જાણનાર નાથ શ્રીકૃષ્ણ સુદામાની ઝૂંપડી તોડાવી મોટો મહેલ બનાવી નોકર ચાકર અને તમામ સુખસાહ્યબી તેના ઘરે ઉભી કરી દે છે.સુદામા તો આ જાણતો પણ નથી.થોડાદિવસ બાદ સુદામા કૃષ્ણને કહે છે હવે મારે ઘેર જવું જોઈએ એટલે કૃષ્ણ કહે છે તારે જવું છે-તો લે આ લાકડી અને પેલી પડી તારી પોતડી એ પહેરી આ રેશમી વસ્ત્રો ઉતારી દે હું તને મૂકવા આવું છું.અને ભગવાન દ્વારકાનો ધણી સમગ્ર સૃષ્ટિનો નાથ મિત્ર ઉદ્ધવ સાથે સુદામાને રથમાં બેસાડી પોરબંદર તરફ રવાના થાય છે પણ આ અયાચક બ્રાહ્મણ એક પણ ચીજ માગતો નથી અરે એમ પણ કહેતો નથી કે મારાં વસ્ત્ર તો રહેવાદે બીજું તો ઠીક તને આટલી દયા આવતી નથી આમ મનમાં વિચારે છે પણ કોઈ ભાવ એવો દેખાવા દેતો નથી. પોરબંદરના દરવાજા દેખાયા એટલે કૃષ્ણને સુદામા રથ ઉભો રાખવાનું કહે છે.


ભગવાન,છેક  ઘેર મૂકવા જવાનું કહે છે સુદામા ના પાડે છે સમ આપે છે કે અત્યારે નહિ પછી ક્યારેક હું બોલાવીશ. મનમાં વિચારે છે કે-

પણ તને લઇ જઈ હું ક્યાં બેસાડું મારી પાસે તને બેસાડવા પાથરણું તોશું ફાટેલું વસ્ત્ર પણ નથી.ભગવાન સુદામાના મનની વાત જાણી ત્યાં ઉભા રહી જાય છે અને એ જતા સુદામાના ડગલે ડગલે એમની આંખોમાંથી અશ્રુધારાઓ વહે છે. સુદામા પોતાને ઘેર જાય છે ત્યાં ઝુંપડી દેખાતી નથી અને મહેલ જુવે છે,મનમાં વિચારે છે, ત્યાં ગયો કશું માગી ના શક્યો અને અહીં મારી ઝુપડી પણ ના રહી, એટલામાં ઉપરથી સુદામાના પત્ની બૂમ મારે છે આવો આ આપણો જ મહેલ છે તમારા મિત્ર દ્વારકાધીશના સેવકો બંધાવી ગયા છે.


સોમ

ડીસેમ્બર -૫-૨૦૨૦