=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ચાંપરાજ વાળો-૪

ચાંપરાજ વાળો-૪

શૂરાતને થરક થરક કંપતો જોગડો ઢોલી ચકચૂર આંખે ચાંપરાજની સામે નીરખી રહ્યો.
કસકસીને એની કાયા બંધાઇ ગઇ છે.ધ્રૂસાંગ !ધ્રૂસાંગ ! ધ્રૂસાંગ ! એની ડાંડી ઢોલ ઉપર પડવા લાગી.


અને ડેલીમાંથી વાળા રજપૂતોનું કેસરી દળ હાથ માં તરવાર અને ભાલા લઇ  સોતું દોટ દેતું નીકળ્યું.


પણ ન રહી શક્યો જોગડો ઢોલી ! માથે કસકસાટ બાંધ્યોય ન રહી શક્યો.
કાયરને પણ પાણી ચડાવનારી એની બે ભુજાઓમાં કોણ જાણેક્યાંથી જોમ ઊભરાણું.
કોઠા નીચે બેઉ સૈન્યોની ઝીંકાઝીંક મંડાવાને હાં કે ઘડી-બઘડી જાય છે.
તરવારોનાં તોરણ બંધાઇ ગયા છે. અને રણઘેલૂડો ચાંપરાજ મોખરે ઘૂમી રહ્યો છે,


ત્યાં આંહીં જોગડાની ભુજાઓએ અંગ ઉપરના બંધ તોડી નાખ્યા. ગળામાં ઢોલ સાથે એને ઉંચા કોઠા ઉપરથી ડિલનો ઘા કર્યો, અને સહુથી પહેલાં એના પ્રાણ નીકળી ગયા. સહુથી પ્રથમ એને મરવાનું સરજેલું હતું તે મિથ્યા ન થયું.

      ‘આગે છેલ્લી ઊઠતો, પેલી ઊઠયો પાંત,
   ભૂપામાં પડી ભ્રાંત, જમણ અભડાવ્યુ, જોગડાં !


( હે જોગડા ઢોલી ! તું તો નીચા કૂળનો : અગાઉ તો તારે સહુથી છેલ્લી પંગતમાં જમવા ઊઠવાનું હતું, પણ આજ યુદ્ધરૂપી જમણમાં તો તેં પહેલી પંગતમાં બેસીને તરવારના ઘા રૂપી જમણ જમી લીધું. તેં તો ભૂપતિઓમાં ભ્રાંતિ પડાવી. ભોજન તેં અભડાવી નાખ્યું)


જોગડો પડ્યો અને ચાંપરાજે સમશેર ચલાવી. કેવી ચલાવી ?


   ખાંડા તણો ખડિયે, પોહવ ! પારીસો કિયો.
   કર દીધા કલબે, આડા એભલરાઉત!


(એ રાજા ! તેં તો યુદ્ધક્ષેત્રરૂપી જમણમાં ખાંડાના ઝાટકા પીરસવા માંડ્યા.એટલું બધું પિરસણું કર્યું કે હે એભલના પુત્ર ! મુસલમાન જોદ્ધાઓ રૂપી જ્મવા બેઠેલા મહેમાનોએ હાંઉ !હાંઉ ! કરી આડા હાથ દીધા, અર્થાત્ તેઓ તારા શૂરાતનથી ત્રાસી ગયા.)


   સર ગોળી સાબળ તણા, માથે મે થિયા,
          (તોય) ચાંપો ચાયે ના, ઓળા એભલરાઉત !


(ચાંપારાજના માથા ઉપર તો તીર, ગોળી અને ભાલાંઓનો વરસદ વરસતો હતો. તે છતાં એ એભલ વાળાનો દીકરો કોઇ ઓથ લઇને એ વરસાદમાંથી ઊગરવા માગતો નથી, અર્થાત્ નાસતો નથી)