વહેલા ભડકણે હબસીના મોઢા જેવું અંધારું હતું.ક્યાંક ક્યાંક વીજળીના સળાવા થતા હતા.
તેમાં ભાદરનું ડહોળું પાણી કોઈ જોગણના ભગવા અંચળા જેવું દેખાતું હતું.
એ અંધારે જેતપુર ગામમાં હાલ જ્યાં ‘ચાંપરાજની ડેલી’ નામે ઓળખાતો ખાંચો છે,
ત્યાંની દરબારી ડેલી ની નાની બારી ઊઘડી અને જુવાન રજપૂત ચાંપરાજ વાળો જંગલ જવા નીકળ્યો
(વાળા રજપૂતો વટલીને કાઠી થયા પહેલાંની આ વાત હોવાનો સંભવ છે.)
એક હાથમાં પોટલિયો છે, બીજો હાથ બગલમાં દાબેલી તરવારની મૂઠ ઉપર છે. અંગે ઓઢેલો કામળો વરસાદના ઝીણા ઝીણા ઝરમરિયા છાંટા ઝીલતો આવે છે.
એકાએક રજપૂત ભાદરની ભેખડ ઉપર થંભી ગયો. કાન માંડ્યા.
આઘેઆઘેથી કોઇ રોતું હોય ને ભેળું ગાતું પણ હોય એવા સૂર સંભળાય છે.
કોઇ બાઇ માણસનું ગળું લાગ્યું.
‘નક્કી કોક નિરાધાર બોન-દીકરી !’ એમ મનમાં બોલીને ચાંપરાજે પગ ઉપાડ્યા.
તલવાર બગલમાંથી કાઢીને હાથમાં લઇ લીધી. કાછોટી છોડી નાખી, અવાજની દિશા બાંધીને એકદમ ચાલ્યો. થોડેક ગયો ત્યાં ચોખ્ખું ચોધાર રોણું સંભળાણું. વીજળીને સબકારે બે ઓળા વરતાણા.
“માટી થાજે, કુકર્મી !” એવી હાકલ દેતા ચાંપરાજે નદીની પલળેલી ભેખડો ઉપર ગારો ખૂંદતાં ખૂંદતાં દોટ દીધી. નજીક ગયો. ત્યાં ઊભો રહી ગયો. કોઇ આદમી ન દીઠો. માત્ર તેજના બે ઓળા જ દેખ્યા.
અંગ ચોખ્ખાં ન દેખાણાં, પણ હતી તો સ્ત્રીઓ જ.એક ગાય છે ને બીજી રુએ છે.
“કોણ, ચાંપારાજ વાળો કે ?’ ગાતા ઓળાએમીઠે કંઠે પૂછ્યું.
‘હા, તમે કોણ બાઇયું ? અટાણે આંહીં શીદ કલ્પાંત કરો છો?”
“ચાંપરાજ વાળા ! બીશ નહિ કે ?”
“બીઉં શીદ ? હું રજપૂત છું.”
“ત્યારે અમે અપસરાઉં છીએ.”
અપસરાઉં ! આંહીં શીદ ?”
“આંહીં કાલે સાંજે યુધ્ધ થાશે. આ ભાદરમાં રુધિર ખળકશે.”
“તે ?”
“એમાં મોખરે બે જણ મરશે. પહેલો તારો ઢોલી જોગડો; ને બીજો તું ચાંપરાજ વાળો.
એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બે’નને વરવું હતું એટલે ઇ કલ્પાંત કરે છે;
ને બીજા મરનાર ચાંપારાજને મારા હાથથી વરમાળા રોપવાની છે; તેથી હું ધોળમંગળ ગાઉં છું.”