=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ચાંપરાજ વાળો-૭

ચાંપરાજ વાળો-૭

બારોટ કહે:” કારણ  તો એ જ કે મારે મારવાડમાં ચાંપરાજ વાળા જેવો વીર નર જન્માવવો છે, દરબાર !”


એભલ વાળાએ બારોટનો હાથ ઝાલીને પૂછ્યું:
”પણ  બારોટ, તારી મારવાડમાં ચાંપારાજની મા મીનલદેવી જેવી કોઇ જડશે કે ?
ચાંપારાજ કોને પેટે અવતરશે ?”


“કેવી મા ?”


“સાંભળ ત્યારે. જે વખતે ચાંપરાજ માત્ર છ મહિનાનું બાળક હતો
તે વખતે હું એક દિવસ રાણીવાસમાં જઇ ચડેલો. પારણામાં ચાંપરાજ સૂતો સૂતો રમે છે.


એની માની સાથે વાત કરતાં કરતાં મારાથી જરાક  અડપલું થઇ ગયું .
ચાંપરાજની મા બોલ્યાં: હાં,હાં, ચાંપરાજ દેખે છે, હાં!”


“હું હસીને બોલ્યો : ‘જા રે ગાંડી. ચાંપરાજ છ મહિનાનું બાળક શું સમજે ?


‘બારોટ ! હું તો આટલું કહું છું, ત્યાં  તો ચાંપરાજ પડખું ફેરવીને બીજી બાજુ જોઇ ગયો.
હું તો રાણીવાસમાંથી બહાર ચાલ્યો આવ્યો,


પણ  પાછળથી એ શરમને લીધે ચાંપરાજની માએ અફીણ  પીને આપઘાત કર્યો. બોલો,
બારોટ !આવી સતી મારવાડમાં મળશે ?”


નિરાશ થઇને બારોટે કહ્યું: “ના.


“બસ ત્યારે, હાલો પાછા જેતપુર.”


ચાંપો પોઢ્યોપારણે, એભલ અળવ્ય કરે.
મૂઇ મીણલદે, સોલંકણ સામે પગે.


“સૌરાષ્ટ ની રસધાર “ ઝવેરચંદ મેઘાણીની નવલકથા માંથી.