=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: ચાંપરાજ વાળો-૬

ચાંપરાજ વાળો-૬

ચારણે જઇને દરબારને વાત કરી. દરબાર હસ્યા;
સમજી લીધું કે ચારણભાઇથી પેટમાં ભૂખ સહેવાતી નથી એટલે આ જુક્તિ કરી છે.
આવી રીતે દાયરો ભરાશે; આપણે  જ ચાંપારાજ વાળાને નામે દાન કરી દેશું;
ચારણ  ફોસલાઇ જાશે; આપણે ચારણ -હત્યામાંથી ઊગરશું. ચારણ ને વાળું કરાવ્યું.


બીજે દિવસે સવારે દાયરો જામ્યો, ઘોડાને સજ્જ કરી લાવવામાં આવ્યો, ચારણ વાટ જોઇને ઊભો.
આખો દાયરો હાંસી કરવા લાગ્યો, સહુને થયું કે આ ભાઈ  થોડોક ડોળ કરીને હમણાં ઘોડો લઇ લેશે.


ત્યાં તો ઉગમણી દિશા તરફ બધાની નજર ફાટી રહી.સૂરજનાં કિરણો ની અંદરથી તેજપુરુષ ચાલ્યો આવે છે. આવીને ઘોડાની લગમ ઝાલી અને ચારણના હાથમાં લગામ મૂકી
વણબોલ્યો પાછો એ પુરુષ સૂર્યલોકને માર્ગે સિધાવી ગયો !


‘ખમા ! ખમા તુંને બાપ ! ‘એવી જય બોલાવીને ચારણ ઘોડે ચડ્યો. આખો દાયરો થંભી ગયો અને ચારણે દુહો કહ્યો–


કમળ વિણ ભારથ કીયો, દેહ વિણ દીધાં દાન
વાળા ! એ વિધાન, ચાંપા ! કેને ચડાવીએ ?


(માથા વિના જુદ્ધ કર્યું અને દેહ વિના દાન દીધાં: એવાં બે દુર્લભ બિરુદ અમે બીજા કોને ચડાવીએ , ચાંપારાજ વાળા ? એ તો એકલા તને જ ચડાવાય)


મારવાડનો એક બારોટ ચાલતો ચાલતો જેતપુર આવી પહોંચ્યો.
એભલ વાળા પાસે જઇને એણે સવાલ કર્યો:”રજપૂત, હું માગું તે દેશો? તમે તો દાનેશ્વરી ચાંપારાજના પિતા છો.”
એભલ વાળો બોલ્યો :”ભલે બારોટ !પણ જોઇ વિચારીને માગજો, હાં !”
બારોટ કહે :” બાપા, તમને પોતાને જ માંગું છું .”
એભલ વાળાને અચંબો લાગ્યો. એ બોલ્યા  : “બારોટ, હું તો બુઢ્ઢો છું, મને લઇને તું શું કરવાનો હતો?
મારી ચાકરી તારાથી શી રીતે થશે ?તેં આ કઇ રીતની માગણી કરી ?”


બારોટે તો પોતાની માગણી બદલી નહિ, એટલે
એ વૃદ્ધ દરબાર પોતાનું રાજપાટ ચાંપારાજથી નાનેરા દીકરાને ભળાવીને બારોટની સાથે ચાલી નીકળ્યા.


રસ્તે જતાં દરબારે પૂછ્યું : “હેં બારોટ ! સાચેસાચું કહેજો; આવી વિચિત્ર માગણી શા માટે કરી ?”
બારોટે હસીને કહ્યું :”બાપ મારવાડમાં તેડી જઇને મારે તમને પરણાવવા છે.”
એભલ વાળા હસી પડ્યા ને બોલ્યા:

”અરે ગાંડા, આ તું શું કહે છે? આટલી ઉંમરે મને મારવાડમાં લઇ જઇને પરણાવવાનું કાંઇ કારણ?”