મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી
સ્થંભ થકી પ્રભુ પ્રગટીયા,
વળી ધરીયું નરસિંહ રૂપ,
પ્રહલાદને ઉગારીયો રે
હે વા’લે માર્યો હરણાકંસ ભૂપ રે, શામળા ગિરધારી
ગજને વા’લે ઉગારીયો,
વળી સુદામાની ભાંગી ભુખ,
સાચી વેળાના મારા વાલમા રે
તમે ભક્તો ને આપ્યા ઘણા સુખ રે, શામળા ગિરધારી
પાંડવની પ્રતિજ્ઞા પાળી,
વળી દ્રૌપદીના પૂર્યા ચીર,
નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારજો રે
તમે સુભદ્રા બાઇના વિર રે, શામળા ગિરધારી
રેહવાને નથી ઝુંપડી,
વળી ખાવા નથી જુવાર,
બેટો-બેટી વળાવીયા રે
મેં તો વળાવી ઘર કેરી નાર રે, શામળા ગિરધારી
ગરથ મારું ગોપીચંદન,
વળી તુલસી હેમ નો હાર,
સાચું નાણું મારે શામળો રે
મારે મૂડીમાં ઝાંઝ-પખાજ રે, શામળા ગિરધારી
તિરથવાસી સૌ ચાલીયા
વળી આવ્યા નગરની બહાર,
વેશ લીધો વણીકનો રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગિરધારી
હૂંડી લાવો હાથમાં
વળી આપું પૂરા દામ,
રૂપીયા આપું રોકડા રે
મારું શામળશા શેઠ એવું નામ રે, શામળા ગીરધારી
હૂંડી સ્વીકારી વા’લે શામળે
વળી અરજે કિધાં કામ,
મેહતાજી ફરી લખજો રે
મુજ વાણોત્તર સરખાં કામ રે, શામળા ગિરધારી
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી
મારી હૂંડી શામળીયાને હાથ રે, શામળા ગિરધારી