ધ્યાન ધર, ધ્યાન ધર, નેત્રમાં નાથ છે,
અંતર ભાળની એક સુરતિ;
દેહીમાં દરસશે, પ્રેમથી પરસશે,
અજબ અનુપમ અધર મૂરતિ ………….. ધ્યાન ધર
મન પરસન થશે, કર્યાં કર્મ નાસશે,
ભાસશે ભૂમિ વ્રજ વન વેલી;
કુંજ લલિત માંહે કૃષ્ણ ક્રીડા કરે,
>નીરખતી નૌતમ સંગ સહેલી ………….. ધ્યાન ધર
મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં,
ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;
તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી,
ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે ……………... ધ્યાન ધર
સુરત સંગ્રામ વિશે નાથ બહુ વિલસે,
દરસશે દેહીથી ભજન કરતાં;
નરસૈંયાનો સ્વામી સર્વ સુખ આપશે
કાપશે દુક્રિત ધ્યાન ધરતાં ……………... ધ્યાન ધર.