નારાયણનું નામ જ લેતાં, વારે તેને તજીયે રે;
મનસા વાચા કર્મણા કરીને, લક્ષ્મીવરને ભજીયે રે…………. નારાયણનું નામ.
કુળને તજીયે, કુટુંબને તજીયે, તજીયે મા ને બાપ રે;
ભગિની-સુત-દારાને તજીયે, જેમ તજે કંચુકી સાપ રે ………. નારાયણનું નામ.
પ્રથમ પિતા પ્રહલાદે તજીયો, નવ તજીયું હરિનું નામ રે;
ભરત શત્રુઘ્ને તજી જનેતા, નવ તજીયા શ્રીરામ રે …………. નારાયણનું નામ.
ઋષિપત્નિએ શ્રીહરિ કાજે, તજીયા નિજ ભરથાર રે;
તેમાં તેનું કાંઈયે ન ગયું, પામી પદારથ ચાર રે ……………. નારાયણનું નામ.
વ્રજવનિતા વિઠ્ઠલને કાજે, સર્વ તજી વન ચાલી રે;
ભણે ‘નરસૈંયો’ વૃંદાવનમાં, મોહન સાથે મ્હાલી રે …………... નારાયણનું નામ.