=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-23

રામાયણ-23


સીતા,રામ અને લક્ષ્મણ દશરથ પાસે આવ્યા છે.વારંવાર દશરથ ને સમજાવે છે-કે-
પિતાજી ,ધીરજ ધારણ કરો,હું વનમાં જાઉં છું,મને આજ્ઞા આપો,આશીર્વાદ આપો.

કૈકેયી કહે છે-કે-મેં તને આજ્ઞા કરી છે,તે તારા પિતાની આજ્ઞા છે,તારા પિતા તને કંઈ કહી શકશે નહિ.
તે પછી કૈકેયી વલ્કલ વસ્ત્રો લાવ્યા છે,રામજી એ વસ્ત્રો-આભૂષણો ઉતર્યા અને વલ્કલ ધારણ કર્યાં.

પછી સીતાજી ને વલ્કલ-વસ્ત્ર આપ્યાં.પણ તે જ વખતે વશિષ્ઠજી આવ્યા છે,તેમણે વલ્કલ વસ્ત્રો ખેંચી લીધાં
અને કૈકેયી ને ઉદ્દેશી ને બોલ્યા-તે અયોધ્યાની રાજલક્ષ્મી છે.વનવાસ રામ ને આપ્યો છે,સીતાને નહિ.
પતિવ્રતાધર્મ ને અનુસરી ને તે વનમાં જાય છે-તે વસ્ત્ર અને આભૂષણો સાથે જ વન માં જાય.

અયોધ્યા ની પ્રજા વ્યાકુળ થઇ છે.પ્રજા કહે છે-કે અમારે પણ અયોધ્યામાં રહેવું નથી,અમે પણ
રામજી ની સાથે વન માં જઈશું.
રામજી કહે છે-કે-તમે બધા મારા પિતાજી ની સેવા કરો.જે મારા પિતાજી ની સેવા કરશે તે મને વહાલો લાગશે. વશિષ્ઠ જી તમારા સહુનું રક્ષણ કરશે. –છતાં પ્રજાજનો કહે છે-જ્યાં રામ જશે ત્યાં અમે સર્વ જઈશું.

રામ,લક્ષ્મણ સીતા સાથે સર્વ પ્રજાજનોએ પણ વન પ્રતિ પ્રયાણ કર્યું.
કૈકેયી કહે છે-રામ ગયો પણ અયોધ્યા ને ઉજ્જડ કરતો ગયો.
જ્યાં “મારું-તારું” એવી “ભેદ-બુદ્ધિ” છે ત્યાં ભગવાન વિરાજતા નથી.
કૈકેયી ની ભેદ બુદ્ધિ થી પરમાત્મા એ તેનો ત્યાગ કર્યો છે.

દશરથજી તે પાછી જયારે મૂર્છા માંથી જાગ્યા ત્યારે જાણ્યું-કે રામ વનમાં ગયા. તે વિચારે છે-કે-
“મારો રામ વન માં ગયો,હજુ મારા પ્રાણ કેમ જતા નથી ?” તેમણે મંત્રી સુમંત ને બોલાવ્યા અને કહ્યું-
મારો સોનાનો રથ લઇ જાવ અને રામને કહેજો-ચાલતા વન માં જશો નહિ,રથમાં બેસી ને જાય.
આ મારી આજ્ઞા છે.બેચાર દિવસ વન માં ફેરવજો અને પછી બધાને અયોધ્યા પાછાં લઇ આવજો.
રામ કદાચ પાછો ન આવે તો મારી બહુ ઈચ્છા છે –કે સીતાજી ને સમજાવી ને જરૂર પાછા લઇ આવજો.
સીતાજી ને જોઈ હું થોડા દિવસ જીવી શકીશ.

દશરથ ની આજ્ઞા પ્રમાણે સુમંત રથ લઇ ને રામજી પાસે આવ્યા ને કહ્યું- કે તમારા પિતાજી ની આજ્ઞા છે-કે તમે ચાલતા વનમાં ન જાવ.આપ રથ માં વિરાજો. રામ,લક્ષ્મણ, જાનકી –રથમાં બેઠા છે.
અયોધ્યાની પ્રજા પાછળ પાછળ દોડે છે.કોઈ ને અયોધ્યા માં રહેવું નથી.રામજી સમજાવે છે-પણ કોઈ માનતા નથી. ઇતિહાસ માં કોઈ એવો દાખલો નથી કે –રાજકુમાર ઘર છોડી ને વન માં જાય તેની પાછળ
આખું ગામ જાય.

રામજી જેવી લોકપ્રિયતા –જગત માં કોઈની નથી. આજે અયોધ્યા નગરી ઉજ્જડ થઇ છે.
તમસા નદીને કિનારે સર્વ આવ્યા છે.ત્યાં મુકામ કર્યો છે,અયોધ્યા ની પ્રજા સુતેલી છે.

લોકો એ રામજી માટે ઘર છોડ્યું પણ નિંદ્રા છોડી નહિ.
પરમાત્મા માટે ઘર છોડવા કરતાં નિંદ્રા છોડવાની જરૂર છે.જે જાગે તેને પરમાત્મા મળે છે.

મધ્યરાત્રિ નો સમય થયો છે,રામે મંત્રી ને કહ્યું-કે-“મારા લીધે આ પ્રજાજનો દુઃખી થાય તે યોગ્ય નથી,
બધા ગાઢ નિંદ્રા માં સૂતેલાં છે,એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહિ,સવાર પડશે તો કોઈ મને છોડશે નહિ.” રામચંદ્રજી એ રાત્રિના સમયે ત્યાંથી પ્રયાણ કર્યું છે.

પ્રાતઃકાળ માં શ્રુંગવેરપુર પાસે રથ આવ્યો છે.
બીજી તરફ પ્રજાજનો જાગ્યા અને રામજી ને ન જોતાં વિલાપ કરે છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE