=’width=device-width, initial-scale=1, maximum-scale=1′ name=’viewport'/> SOM-સોમ: રામાયણ-37

રામાયણ-37


રામની આસ પાસ ઘણા બધા લોકો એકત્ર થયા છે અને ચર્ચા ચાલે જાય છે, ભરત આજ્ઞા માગે છે.

રામજી એ છેલ્લો નિર્ણય જાહેર કર્યો-કે-
ભરત આજ સુધી મેં તને કદી નારાજ કર્યો નથી પણ આજે મારે તને નારાજ કરવો જ પડશે.પિતાજી ની આજ્ઞાનું પાલન કરવું તે મારો અને તારો બંને નો ધર્મ છે.પિતાજી ની બંને આજ્ઞાનું પાલન કરવાનું જ છે.
પહેલી આજ્ઞા તારે પાળવાની છે અને બીજી આજ્ઞા મારે પાળવાની છે. તારે ચૌદ વર્ષ રાજ્ય કરવાનું છે-
અને મારે ચૌદ વર્ષ વનમાં રહેવાનું છે.

ભરતજી એ કહ્યું-ચૌદ વર્ષ સુધી હું તમારી પ્રતીક્ષા કરીશ.ચૌદ વર્ષ ની અવધિ પુરી થયા પછી એક દિવસ પણ વિલંબ કરશો તો હું અગ્નિ માં પ્રવેશ કરી ને પ્રાણ ત્યાગ કરીશ. પણ નાથ,હું એકલો કેમ જઈશ ?
મને કોઈ અવલંબન આપો,મારા પ્રાણ ને ટકાવવા ,મને કોઈ આધાર આપો.

રામજી એ ભરત ને પાદુકા આપી છે. ભરત ને આનંદ થયો,ચરણપાદુકા ને તેમણે મસ્તક પર મૂકી.
ભરતજી ને એમ લાગ્યું કે –“મને મારાં રામ-સીતા મળ્યાં છે.હું હવે એકલો નથી.”
બંધુપ્રેમ નો આદર્શ બતાવતાં ભરતજી સીતારામ સીતારામ બોલતા જાય છે. અયોધ્યા આવી અને
સિંહાસન પર ચરણ પાદુકા ની સ્થાપના કરી છે,રાજ્ય મારું નથી,રામજી નું છે,હું તો સેવક છું.
પાદુકાને પૂછી ને આજ્ઞા મેળવીને ભરતજી બધું કામ કરે છે. પાદુકાની નિત્ય સેવા કરે છે.
ભરતજી ગોમુખયાવક વ્રત કરે છે.(ગાયને જવ ખવડાવે,તે તેના છાણમાંથી બહાર નીકળે તે વીણી ને,
તેને ગૌમુત્ર માં ઉકાળી રાબ બનાવે. આવા ઉકાળેલા જવ ચોવીસ કલાક માં એક વખત ખાવા તે-વ્રત)

રામજી દર્ભ ની પથારી પર સૂવે તો ભરત જમીન પર સૂવે છે.રામજી ની તપશ્ચર્યા કરતા પણ ભરતની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે.તેવું મહાત્માઓ કહે છે.રામજી તો વન માં રહી તપશ્ચર્યા કરે છે,જયારે ભરત મહેલ માં રહી ને તપશ્ચર્યા કરે છે.વનમાં રહી તપ કરવું કઠણ નથી પણ રાજમહેલ માં રહી તપ કરવું કઠણ છે.

ભરતજી નો પ્રેમ એવો કે જડ પાદુકા ચેતન બની જાય છે.સાયંકાળે,શૃંગાર કરી સીતારામજી માં આંખ સ્થિર કરી ભરતજી સીતારામનો જાપ કરે છે.ભરતજી પાદુકા માં નજર સ્થિર કરે છે,ઘણીવાર રામજીનો વિયોગ સહન થતો નથી, રામજી ના દર્શન માટે પ્રાણ તલસે છે.રામનામ નો જપ કરે ત્યારે સંયોગ નો અનુભવ થાય છે.ભરતજી રામ-સીતા વનમાં ગયા છે-તે ભુલી જાય છે,રામ-સીતાને પ્રત્યક્ષ અનુભવે છે.

રામ-સીતાનું એક સ્વરૂપ વનમાં છે અને એક સ્વરૂપ ઘરમાં છે. શ્રીરામ તો સર્વવ્યાપક છે.
જેટલા ભક્તો તેટલા રામ છે. રામજી નું સ્મરણ કરતાં જ રામ પ્રગટ થાય છે.
સર્વવ્યાપક પરમાત્મા માયાના આવરણ માં છુપાયેલા હોય છે,ભક્તો પ્રેમથી ભક્તિ કરી તેમને પ્રગટ કરે છે.
પ્રેમ થી જ્યાં પરમાત્મા નો જપ થાય ત્યાં પ્રભુ ને પ્રગટ થવું પડે છે.

પાણી-પાણી- એવો જપ કરવાથી પાણી પાસે આવતું નથી,પાણી જોઈતું હોય તો પાણી પાસે જવું પડે છે,
પાણી જડ છે.પરંતુ પ્રભુ તો ભક્ત પાસે આવે છે.
મનુષ્યો પૈસા માટે પ્રવૃત્તિ કરે છે,પણ પરમાત્મા માટે પ્રવૃત્તિ કરતા નથી,પૈસા માટે પ્રવૃત્તિ કરનાર ઉપર
પ્રભુ ને દયા આવતી નથી.
જીવન માં પૈસા કરતાં પ્રભુ ની વધારે જરૂર છે.પણ કોણ જાણે માનવી ને પૈસા જેટલી પ્રભુની જરૂર લગતી નથી.એટલે મનુષ્ય ને પ્રભુ દૂર દૂર લાગે છે,પરંતુ પ્રભુ તો પાસે જ છે.

ભરતજી જેવું પવિત્ર અને તેમના જેવો પ્રભુ નો વિરહ જાગે તો-પ્રભુ પ્રગટ થાય જ છે.
ભરતજી જયારે રામ-વિરહ માં એકદમ વ્યાકુળ થાય છે-ત્યારે પાદુકા માંથી શ્રીરામ પ્રગટ થાય છે.
વિયોગ નો આદર્શ ભરત છે-અને સંયોગ માં સેવા કેવી રીતે કરવી તેનો આદર્શ લક્ષ્મણ છે.

ભરતજી ના પ્રેમનું વર્ણન કોણ કરી શકે ?
જગત- જે રામનું સ્મરણ કરે છે-તે-જ-રામ..... ભરતજી નું સ્મરણ કરે છે.



સૌજન્ય- www.sivohm.com
   PREVIOUS PAGE            NEXT PAGE                INDEX PAGE