ચોપાઈ
પ્રભુ પદ પંકજ નાવહિં સીસા, ગરજહિં ભાલુ મહાબલ કીસા.
દેખી રામ સકલ કપિ સેના, ચિતઇ કૃપા કરિ રાજિવ નૈના.
તેઓ પ્રભુના ચરણકમળો માં મસ્તકો નમાવી રહ્યા.મહાબળવાન રીંછો અને વાનરો ગર્જના કરી રહ્યા.
શ્રી રામે વાનરોની સકળ સેના જોઈ, તેમના તરફ કમળ તુલ્ય નેત્રોથી કૃપા-દૃષ્ટિ નાખી.
રામ કૃપા બલ પાઇ કપિંદા, ભએ પચ્છજુત મનહુગિરિંદા.
હરષિ રામ તબ કીન્હ પયાના, સગુન ભએ સુંદર સુભ નાના.
શ્રી રામ કૃપાનું બળ પામી શ્રેષ્ઠ વાનરો જાણે મોટા પર્વતો બન્યા ! તે વખતે શ્રી રામે હર્ષિત થઇ પ્રયાણ (કૂચ)કર્યું.
અનેક સુંદર તથા શુભ શુકન થયા.
જાસુ સકલ મંગલમય કીતી, તાસુ પયાન સગુન યહ નીતી.
પ્રભુ પયાન જાના બૈદેહીં, ફરકિ બામ અ જનુ કહિ દેહીં.
જેમની કીર્તિ સમગ્ર મંગલમય હતી, તેમના પ્રયાણ સમયે (શુભ )
શુકનો થાય,એ નીતિ (લીલાની મર્યાદા )છે.પ્રભુનું પ્રયાણ સીતાજીએ પણ જાણ્યું. તેમનાં ડાબાં
અંગો ફરકીને જાણે કહી દેતાં હતાં (કે શ્રી રામ આવે છે)
જોઇ જોઇ સગુન જાનકિહિ હોઈ, અસગુન ભયઉ રાવનહિ સોઈ.
ચલા કટકુ કો બરનૈં પારા, ગર્જહિ બાનર ભાલુ અપારા.
સીતાજીને જેમ જે જે શુકનો થયા તે તે રાવણ માટે અપશુકનો થયા.સેના ચાલી,તેનું વર્ણન કોણ કરી શકે?
અસંખ્ય વાનરો અને રીંછો ગર્જના કરી રહ્યા.
નખ આયુધ ગિરિ પાદપધારી, ચલે ગગન મહિ ઇચ્છાચારી.
કેહરિનાદ ભાલુ કપિ કરહીં, ડગમગાહિં દિગ્ગજ ચિક્કરહીં.
નખો રૂપી આયુધો વાળા અને ઈચ્છાનુસાર ચાલતા રીંછો તથા વાનરો, પર્વતો અને વૃક્ષો ધારણ કરી,કોઈ
આકાશ માર્ગે અને કોઈ પૃથ્વી પર ચાલવા લાગ્યા.તેઓ સિંહ સમાન ગર્જના કરી રહ્યા.તેઓના ચાલવાથી
તથા ગાજવાથી દિશાઓના હાથીઓ ડગમગી ચિત્કાર કરવા લાગ્યા.
છંદ
ચિક્કરહિં દિગ્ગજ ડોલ મહિ ગિરિ લોલ સાગર ખરભરે,
મન હરષ સભ ગંધર્બ સુર મુનિ નાગ કિન્નર દુખ ટરે.
કટકટહિં મર્કટ બિકટ ભટ બહુ કોટિ કોટિન્હ ધાવહીં,
જય રામ પ્રબલ પ્રતાપ કોસલનાથ ગુન ગન ગાવહીં.(૧)
દિશાઓના હાથીઓ ચિત્કાર કરી રહ્યા,પૃથ્વી ડોલવા લાગી,પર્વત ચંચળ થઇ (કંપી)ઉઠ્યા અને સમુદ્રો ખળભળી
ગયા. ગંધર્વો,દેવો,મુનિઓ,નાગો, કિન્નરો સર્વ ના મનમાં હર્ષ થયોકે , હવે અમારું દુઃખ ટળ્યું. અનેક કરોડો
ભયાનક વાનર યોદ્ધાઓ દાંતિયા કરી રહ્યા અને કરોડો દોડી રહ્યા.પ્રબળ પ્રતાપવાળા કોશલનાથ
શ્રી રામચંદ્રનો જય થાઓ . એમ પોકારતા તેઓ તેમના ગુણ સમૂહો ગાઈ રહ્યા. (૧)
સહિ સક ન ભાર ઉદાર અહિપતિ બાર બારહિં મોહઈ,
ગહ દસન પુનિ પુનિ કમઠ પૃષ્ટ કઠોર સો કિમિ સોહઈ.
રઘુબીર રુચિર પ્રયાન પ્રસ્થિતિ જાનિ પરમ સુહાવની,
જનુ કમઠ ખર્પર સર્પરાજ સો લિખત અબિચલ પાવની.(૨)
પરમ શ્રેષ્ઠ સર્પરાજ શેષનાગ પણ સેનાનો ભાર સહી ન શક્યા.વારંવાર મોહિત થઇ (ગભરાઈ)ગયા.
અને કાચબાની કઠોર પીઠ ને દાંતો થી પકડી લેવા લાગ્યા,પણ દાંત નહિ પડતાં ચિન્હ પડ્યાં.
તે એવા શોભી રહ્યા કે જાણે રઘુવીર શ્રી રામચંદ્ર ની સુંદર પ્રયાણ યાત્રાને ઘણી જ સોહામણી જાણી,
તેની અચળ કથાને સર્પરાજ શેષનાગ કાચબા ની પીઠ પર લખી રહ્યા હોય !(૨)